મુંબઈ, નવી દિલ્હીઃ એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સિંગાપુરમાં ફેમિલી ઓફિસ શરૂ કરી છે. આ સાથે જ તેમણે સિંગાપુરમાં ઓફિસ ધરાવતા વિશ્વના અબજોપતિઓની ક્લબમાં સ્થાન મેળવ્યું છે. નવી ઓફિસ ચલાવવા સ્ટાફની ભરતી કરવા તેમણે મેનેજરની નિયુક્તિ કરી છે. આ આખી કામગીરી અત્યંત ગુપ્ત હોવાથી અંબાણી ગ્રૂપના વ્યક્તિએ ઓળખ આપવા ઈનકાર કર્યો છે. અંબાણી પરિવાર દ્વારા ત્યાં રીઅલ એસ્ટેટની ખરીદી પણ કરાઈ છે. સિંગાપુરમાં ફેમિલી ઓફિસ શરૂ કરીને અંબાણી પરિવાર હેજ ફંડ અબજોપતિ રે ડાલિયો અને ગૂગલના સહસ્થાપક સર્ગેઈ બ્રિનની ક્લબમાં સ્થાન પામ્યા છે.
ઓછો ટેક્સ અને ચુસ્ત સુરક્ષાને કારણે સિંગાપુર ફેમિલી ઓફિસો માટે આકર્ષક કેન્દ્ર બન્યું છે. સિંગાપુરની મોનેટરી ઓથોરિટીના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં સિંગાપુરમાં 400 જેટલી ફેમિલી ઓફિસો હતી જે 2021ના અંતે વધીને 700 થઈ હતી. અલબત્ત ગ્લોબલ ધનિકોની સંખ્યામાં સતત વધારો થતા અહીં મોટરકારના ભાવ આસમાને છે. અંબાણી પરિવારે સિંગાપુરમાં ઓફિસ શરૂ કરવાનું એટલા માટે નક્કી કર્યું છે કે તેઓ તેમના રિટેલથી માંડીને રિફાઇનિંગ બિઝનેસનો વ્યાપ આખા વિશ્વમાં ફેલાવવા માંગે છે. ભારતની બહાર આ માટે એસેટ્સ ખરીદવા માંગે છે. 2021માં જ્યારે સાઉદી અરામ્કોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે મુકેશ અંબાણીએ શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે, કંપનીના સામ્રાજ્યના આંતરરાષ્ટ્રીયકરણની આ શરૂઆત છે. આ દિશામાં વધુ પ્લાન વખતોવખત જાહેર કરાશે.