નવી દિલ્હીઃ કાશ્મીરના પેમ્પોરમાં ભારતીય લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે ૨૧મીથી સામસામે ચાલી રહેલા ગોળીબારમાં અત્યાર સુધી ત્રણ કેપ્ટન સહિત કુલ છ જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જ્યારે એક જ આતંકવાદીનું મોત થઈ શક્યું છે. પેમ્પોરની એક સરકારી કચેરીમાંથી આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો ત્યારથી આ ગોળીબારી ચાલી રહી છે.
આ લશ્કરી કાર્યવાહીમાં કેપ્ટન પવનકુમાર પણ શહીદ થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, ૨૩ વર્ષીય કેપ્ટન પવનકુમાર જાટ સમાજના હતા અને તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માંથી ડિગ્રી લીધી હતી. પવનકુમારે તેમની શહીદીના એક દિવસ પહેલાં ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, કોઈને અનામત જોઈએ છે તો કોઈને કેમ્પસમાં આઝાદી જોઈએ છે. જોકે, મારે કશું નથી જોઈતું ભાઈ. મારે ફક્ત મારી રજાઈ જોઈએ છે.