નવી દિલ્હી, જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું છે. ૭૯ વર્ષના સઇદે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સેપ્સિસ અને ન્યુમોનિયાની ફરિયાદ ૨૪ ડિસેમ્બરે તેમને ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તેમના પ્લેટલેટ્સ બહુ ઝડપથી ઘટવા લાગ્યા હતા અને છેલ્લા થોડા દિવસોથી તેઓ વેન્ટિલેટર પર હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના બીજા મુખ્ય પ્રધાન છે, જેમનું કાર્યકાળ દરમિયાન નિધન થયું હોય. હવે તેમનાં ૫૬ વર્ષીય સાંસદ પુત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી રાજ્યના પહેલા મહિલા મુખ્ય પ્રધાન બનશે.
એક સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા સઈદ ૧૯૮૭માં વી. પી. સિંહ સાથે જોડાયા હતા. તેઓ ૧૯૮૯માં રાષ્ટ્રીય મોરચાની સરકારમાં દેશના પહેલા મુસ્લિમ ગૃહ પ્રધાન બન્યા હતા. તે બાદ ૨૦૦૨થી ૨૦૦૫ સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારમાં મુખ્ય પ્રધાન રહ્યા હતા. ૨૦૧૫માં ભાજપ સાથે અસંભવ જણાતું ગઠબંધન બનાવ્યું હતું અને ગત એક માર્ચે મુખ્ય પ્રધાન બન્યા હતા. તે કારણે ભાજપ પણ પહેલી વાર રાજ્યની સત્તામાં ભાગીદાર બની હતી.
સઈદના પાર્થિવ દેહને એરફોર્સના વિશેષ વિમાન મારફત શ્રીનગર લઇ જવાયો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં તેમના પૈતૃક ગામ બિજબેહડામાં તેમની દફનવિધિ કરાઇ હતી.
દરમિયાન ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને ગુલામ નબી આઝાદ હાજર રહ્યા હતા. રાજ્યમાં સાત દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાની જાહેરાત કરી છે.
મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના બીજા એવા મુખ્ય પ્રધાન છે, જેમનું નિધન હોદ્દા પર રહેવા દરમિયાન થયું છે. પહેલાં આઠ સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ તત્કાલીન મુખ્ય પ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું નિધન થયું હતું.
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
મુફ્તી મોહમ્મદ સઇદના અનુગામી તરીકે તેમના પુત્રી મહેબૂબા મુફ્તીનું નામ લગભગ નક્કી છે. આ અંગે તેમની પાર્ટી પીડીપીના લગભગ તમામ નેતાઓએ તેમના નામ પર સહમતિ વ્યક્ત કરી દીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, પીડીપીની ગઠબંધન પાર્ટી ભાજપે પણ આ માટે સંમતિ આપી દીધી હોવાનું જાણવા મળે છે. આમ, મહેબૂબાના રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બનશે તે લગભગ નક્કી છે.
આ સંબંધે પીડીપીના નેતાઓના પ્રતિનિધિ મંડળે ગુરુવારે રાજ્યપાલ સાથે મુલાકાત પણ યોજી હતી અને એક પત્ર સોંપ્યો હતો. જેમાં મહેબૂબાને સમર્થન હોવાની વાત કહેવામાં આવી છે. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્ય પ્રધાનના પદ માટે પીડીપીની જે પસંદગી હશે તે જ ભાજપની પણ પસંદગી હશે. આ અગાઉ જ્યારે મુફ્તી મોહમ્મદ સઇદ જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે એમ કહ્યું હતું કે, 'હું ઓફિસમાં રહું છું અને મહેબૂબા લોકો વચ્ચે રહે છે માટે તે સીએમ બને તે જ યોગ્ય રહેશે.'
મહેબૂબા મુફ્તીની કારકિર્દી
• ૨૨ મે, ૧૯૫૯ના રોજ મહેબુબા મુફ્તીનો જન્મ
• પીડીપી અધ્યક્ષ અને મુફ્તી મહોમ્મદ સઇદના પુત્રી
• ૨૦૧૪માં ૧૬મી લોકસભા માટે અનંતનાગથી ચૂંટાયા હતા
• ૧૯૯૬માં કોંગ્રેસની ટિકિટ પર પહેલી વાર બેજબેહરાથી ધારાસભ્ય ચૂંટાયા
• ૧૯૯૯માં પીડીપીની રચના બાદ પાર્ટીના ઉપ પ્રમુખ બન્યા
• મહેબૂબાને ઇલ્તિઝા અને ઇર્તિકા નામની બે પુત્રીઓ છે