જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. તેમણે રાજ્યમાં સફળ ચૂંટણીઓ માટે અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સ અને પાકિસ્તાનની પ્રશંસા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન, હુર્રિયત અને આતંકવાદીઓએ યોગ્ય વાતાવરણ પૂરું પાડયું હતું. આ નિવેદનનો વિવાદ શાંત થયો નહીં ત્યાં બીજે જ દિવસે વધુ એક વિવાદ ઊભો થયો હતો. પીડીપીના આઠ ધારાસભ્યોએ સોમવારે જણાવ્યું હતું કે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને આપેલી ફાંસી એ ન્યાય અને બંધારણની મજાક સમાન છે. તેના અસ્થિઓને કાશ્મીર પાછા લાવવામાં આવે.
આ નિવેદનમાં કહ્યું છે કે પીડીપી તેના વલણ ઉપર ટકી રહેશે. ગુરુને ફાંસી આપવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. પીડીપી તેની નિંદા કરે છે. તેના અવશેષોને કાશ્મીર લાવવાની માગણીને પણ પક્ષ ગંભીરતાથી અનુસરી રહ્યો છે. અપક્ષ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે ગુરુને માફી આપવાની દરખાસ્ત મુકી હતી તે યોગ્ય હતી.
ઉલ્લેખનીય છે કે પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે રવિવારે ૨૪ પ્રધાનો સાથે જમ્મુ-કાશ્મીરના ૧૨મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર જમણેરી વિચારધારા ધરાવતા ભાજપની સરકારમાં એન્ટ્રી થઇ છે. જમ્મુનાં જોરાવર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ એન. એન. વોરાએ ૭૯ વર્ષીય સઇદ અને તેમના પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા, જેમાં પીડીપીના ૧૩ અને ભાજપના ૧૨ પ્રધાનો છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મહામંત્રી રામ માધવ અને વરિષ્ઠ નેતાઓ એલ. કે. અડવાણી, મુરલીમનોહર જોશી વગેરે હાજર રહ્યા હતા. રાજ્યમાં પૂર્વ શાસક પક્ષ નેશનલ કોન્ફરન્સે શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલસિંહ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન રહેશે. જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ભાજપ સરકારનો હિસ્સો બન્યો છે તેથી તેના માટે આ ઐતિહાસિક દિવસ હતો. શપથ બાદ સઇદે જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિનું વાતાવરણ સર્જવાની તાકીદે જરૂર હતી. રાજ્યની જનતાનું દિલ જીતવા અમે એવું ગઠબંધન બનાવવા ઇચ્છતા હતા.