હરિયાણામાં થયેલાં જાટ આંદોલન દરમિયાન મુરથલ ખાતે મહિલાઓ સાથે ગેંગરેપ થયાનાં મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે જાતે જ સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસની જાણ બહાર આટલો મોટો કાંડ થઈ જાય તે શરમજનક છે.
તેમણે પીડિતોને જણાવ્યું હતું કે, આ મુદ્દે પીડિતાઓ સીધી જ સીજેઆઈ પાસે જઈને અથવા તો બંધ કવરમાં ફરિયાદ લખીને જજનાં નામે મોકલી શકે છે. તમામ મહિલાઓની ઓળખ ગુપ્ત રખાશે. કોર્ટે વધુ જણાવ્યું કે, આ મુદ્દે અમે જાતે તપાસ કરાવી છે અને અમને તેમાં સત્યતા જણાઈ રહી છે.
મીડિયા અહેવાલો મુજબ ૩૦ જેટલા ઉપદ્રવીઓ દ્વારા મુરથલ પાસે એનએચ-૧ પાસે એનસીઆર જનારાં કેટલાંક વાહનોને રાકાયાં હતાં, તેમણે કેટલાંક વાહનો સળગાવી દીધાં હતાં. આ દરમિયાન લોકોમાં નાસભાગ મચી હતી. ઉપદ્રવીઓએ આ તકનો લાભ લઈને મુરથલના અમરીક સુખદેવ ઢાબા પાસેનાં ખેતરમાં ૧૦ જેટલી યુવતીઓ અને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ ભાગી ગઈ તે બચી ગઈ. ઉપદ્રવીઓ તેમને નગ્ન હાલતમાં છોડીને ચાલ્યા ગયા. મહિલાઓનાં ફાટેલાં કપડાં અને આંતરવસ્ત્રો ખેતરમાં ફેલાયેલાં હતાં. ઘટના બાદ આસપાસનાં ગામનાં લોકોએ ત્યાં આવીને મહિલાઓને કપડાં અને ધાબળા આપ્યાં. બીજી તરફ પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે આવ્યા પણ તેમણે પીડિતાઓના પરિવારજનોને દબાણ કર્યું કે તેઓ મહિલાઓને લઈ જાય. તે ઉપરાંત બદનામી ન થાય તે માટે ફરિયાદ ન કરવાનું જણાવ્યું.
હેલ્પ ડેસ્ક બનાવવાનો આદેશ
હાઈકોર્ટે આ ઘટનામાં જાતે તપાસ કરાવ્યા બાદ ઘટનાની ખરાઈ જણાતાં ડીજીપીને બોલાવીને પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો. કોર્ટે જણાવ્યું કે, મુરથલ ઢાબા પાસે ૧૦ મહિલાઓ સાથે ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટના બની ત્યાં સુધી પોલીસ શું કરતી હતી. કોર્ટે વધુ જણાવ્યું કે, પોલીસની કામગીરી અત્યંત શરમજનક છે, તેમણે ડીજીપી અને હરિયાણા સરકારને નોટિસ પાઠવી આ અંગે વિગતે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે, તે ઉપરાંત કોર્ટે દરેક જિલ્લામાં થયેલાં આર્થિક નુકસાનની માહિતી મેળવવા હેલ્પડેસ્ક બનાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચગ્યા બાદ કોર્ટનું ધ્યાન આ મુદ્દે ગયું હતું.
શું હતી ઘટના ?
ઢાબાની બહાર મહિલાઓ મદદ માટે ચીસો પાડી રહી હતી. એક મહિલા નગ્ન અવસ્થામાં દોડતી ગઈ હતી અને ગળા સુધી પાણીમાં સંતાઈ ગઈ હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ હરિયાણાના મુરથલ પાસે ઘટના જ્યાં બની ત્યાં જ એક ઢાબાના માલિકે ટાઈમ્સને જણાવ્યું કે, તેને તેના કર્મચારીઓએ ૨૨ તારીખે પરોઢિયે ત્રણ વાગ્યે ફોન કરી જણાવ્યું કે, તેમના ઢાબાની બહાર મહિલાઓ મદદ માટે ચીસો પાડી રહી છે. એક કર્મચારીએ એમ પણ કહ્યું કે જ્યાં ગળા સુધી પાણી ભરાય છે ત્યાં એક મહિલા નગ્ન અવસ્થામાં દોડતી ગઈ હતી અને સંતાઈ ગઈ હતી. તેણે એમ પણ કહ્યું કે, મેં તેમને અંદર જ રહેવા આદેશ આપ્યો હતો. ટાઈમ્સે આ ઢાબાનું કે તેના માલિકનું નામ જાહેર કર્યું નહોતું.
બીએમડબ્લ્યૂને સળગાવી દેવાઈ હતી.
ગાડીમાં સવાર ત્રણ મહિલાઓ ગાયબ હતી જે સાત કલાક બાદ ગંભીર હાલતમાં મળી હતી. તેમનાં કપડાં પણ ફાટેલાં હતાં.
ધ ટ્રિબ્યૂન અખબારે જણાવ્યું કે, મુરથલ પાસે ૨૨મીએ કેટલીક ગાડીઓ રોકવામાં આવી હતી. ઉપદ્રવીઓએ આ ગાડીઓ સળગાવી દીધી. આ ઉપરાંત ૧૦ મહિલાઓ સાથે મારપીટ કરાઈ હતી. તેમની સાથે ગેંગરેપ થયો હતો. અહેવાલ મુજબ ત્રણ મહિલાઓે પાસે આવેલા અમરીક સુખદેવ ઢાબા પર મદદ મેળવવા માટે પહોંચી હતી. પણ શુક્રવારે ઢાબાના માલિક અમરીકે જણાવ્યું કે, તેમના ઢાબાની બહાર માત્ર એક જ મહિલા મદદ માટે આવી હતી. ત્યારબાદ ટ્રિબ્યૂનના બીજા અહેવાલમાં એવું જણાવાયું કે, દિલ્હીની એક વ્યક્તિએ તેમને જણાવ્યું કે, તેમના એક સગાની બીએમડબ્લૂને હુમલાખોરો દ્વારા સળગાવી દેવાઈ હતી. તે ઉપરાંત ગાડીમાં સવાર ત્રણ મહિલાઓ ગાયબ હતી જે સાત કલાક બાદ મળી હતી. આ મહિલાઓની સ્થિતિ બહુ જ ખરાબ હતી અને તેમના કપડાં પણ ફાટેલાં હતા.