મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવાની માગણી કરીને શિવસેનાએ નવો વિવાદ જગાવ્યો છે. પક્ષના મુખપત્ર સામનામાં એક લેખમાં શિવસેના સાંસદ સંજય રાઉતે માગ કરી છે કે મુસ્લિમોનો અનેક વખત વોટ બેન્ક સ્વરૂપે ઉપયોગ થતો હોવાથી તેમના મતાધિકાર પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ. શિવસેનાના આ નિવેદનની કેટલાક રાજકીય પક્ષોએ આકરી ઝાટકણી કાઢી છે અને તેના પર લોકોમાં ધિક્કારની લાગણી ફેલાવવાનો અને લોકોને વિભાજિત કરવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રવાસીઓને વધુ સુવિધા બદલ એરલાઇન્સ ચાર્જ વસૂલશેઃ ભારતીય સિવિલ એવિએશન ઓથોરિટીએ દેશની એરલાઈન્સોને વધારાની સુવિધાઓ આપી પ્રવાસીઓ પાસેથી વધુ ચાર્જ વસૂલવા મંજૂરી આપી છે. હવે પ્રવાસીઓ વધુ ચાર્જ ચૂકવીને વિમાનમાં પસંદગીની સીટ, લોન્જનો ઉપયોગ વિગેરે વધારાની સુવિધા મેળવી શકશે.
બેઇમાનને જ પદ્મ એવોર્ડ મળે છેઃ જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે પદ્મ પુરસ્કારને નિશાન બનાવ્યા છે. તેમણે મુંબઇમાં કહ્યું હતું કે, પદ્મ પુરસ્કાર ફક્ત બેઇમાન અને મોટા લોકોને આપવામાં આવે છે. ગરીબ અને આદિવાસી સમાજની વ્યક્તિને પદ્મ પુરસ્કાર શા માટે નથી અપાતા.
કાશ્મીરી પંડિતો માટે વસાહતના પ્રસ્તાવ પર ખીણમાં હડતાળઃ કાશ્મીરી પંડિતો માટે અલગ ટાઉનશીપના પ્રસ્તાવના વિરોધમાં અલગતાવાદીઓએ ૧૨ કાશ્મીર ખીણમાં હડતાલ પાડી હતી. દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, પેટ્રોલ પંપો બંધ રહ્યા હતા. અલગતાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હુર્રિયત કોન્ફરન્સે બંધનું આહવાન કર્યું હતું. આ દરમિયાન, કાશ્મીરી પંડિતોના સંગઠન પનુન કાશ્મીરએ રાજકીય અને બંધારણીય અધિકારો વિના અલગ ટાઉનશીપનો પ્રસ્તાવ ફગાવ્યો છે.
સત્યમકાંડમાં સજા જાહેરઃ ભારતનાં સૌથી મોટાં રૂ. ૧૪,૧૬૨ કરોડનાં એકાઉન્ટિંગ કૌભાંડમાં સીબીઆઈની કોર્ટે સત્યમ કમ્પ્યૂટર્સના પૂર્વ ચેરમેન બી. રામાલિંગા રાજુ સહિત તમામ ૧૦ આરોપીઓને દોષિત જાહેર કરીને ૧૦ વર્ષની સખત કેદની સજા સજા કરી છે. આ સિવાય રામાલિંગા રાજુ તેમજ તેના ભાઈ અને કંપનીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રામા રાજુ પર કોર્ટે રૂ. ૫.૫-૫.૫ કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે, ૮ દોષિતોમાંથી પ્રત્યેકે રૂ. ૫૦ લાખનો દંડ ચૂકવવો પડશે. આશ્ચર્યની વાત તો એ છે કે, રાજુએ ગુનો કબૂલી લીધો હોવા છતાં આ કેસમાં ૬ વર્ષ અને ૯૨ દિવસ બાદ તેમને દોષિત ઠેરવી ચુકાદો આવ્યો છે.
મેમણની ફાંસી યથાવતઃ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય આરોપી યાકુબ મેમણે ફાંસીની વિરુદ્ધ દાખલ કરેલી પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતા તેની ફાંસી હવે નિશ્ચિત બની છે. રાષ્ટ્રપતિએ યાકુબની દયાની અરજી ફગાવી હતી.
છત્તીસગઢમાં નકસલી હુમલો, ૭ જવાન શહીદઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૦૦થી વધુ નકસલવાદીઓની ટોળકીએ એસટીએફની ટીમ પર શનિવારે સવારે યોજનાબદ્ધ રીતે કરેલા હુમલામાં ૭ જવાન શહીદ થયા છે અને અન્ય ૧૨ જવાન ઘવાયા છે.
ઘરગથ્થુ શૌચાલયો બાંધવામાં ગુજરાત અગ્રેસરઃ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયની માહિતી મુજબ સમુદાય માટેના શૌચાલયો બાંધવામાં ઓડિશા અગ્રેસર છે. જ્યારે પરિવાર માટેના શૌચાલયો બાંધવામાં ગુજરાત અન્ય રાજ્યોથી આગળ છે.