મૃત ભિક્ષુક પાસેથી રૂ. બે લાખ મળ્યા

Wednesday 11th March 2015 09:27 EDT
 

કાનપુરઃ ભિક્ષુકો પાસે કેટલા નાણા હોય શકે? આવો વિચાર આપણને ઘણી વાર આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક અનોખી ઘટના જોવા મળી.  જ્યાં એક મૃત ભિક્ષુક પાસેથી બે લાખ રૂપિયા મળી આવ્યા છે. આ સમાચારથી લોકોમાં એક આશ્ચર્ય ફેલાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એક ગણેશ મંદિર પાસે બેસીને હંમેશાં ભીખ માગતા આ ભિક્ષુકનું કોઇ કારણોસર ગત સપ્તાહે મોત થયું હતું. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી અને ભિક્ષુકની તપાસ કરી તો તેમને પણ આશ્ચર્ય થયું કારણ કે, આ ભિક્ષુક પાસેથી બે લાખ રૂપિયા મળી આવ્યા હતા, જે થેલામાં આ પૈસા મળ્યા તે ખૂબ મેલો હતો. આ ભિક્ષુકને જોવા માટે એકઠા થયેલા લોકોમાં પણ આશ્ચર્ય પ્રસરી ગયું હતું.

• મોદી ત્રણ પડોશી દેશોના પ્રવાસેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ માર્ચે પાંચ દિવસના ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. હિન્દ મહાસાગરમાં ભારતનું વર્ચસ્વ વધારવાના હેતૂથી મોદી શેસલ્સ, મોરિશિયસ અને શ્રીલંકાની મુલાકાત ગયા છે. મોદી શ્રીલંકાની મુલાકાત દરમિયાન એક સમયની યુદ્ધભૂમિ જાફનાની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન માલદીવ્સની પણ મુલાકાત લેવાના હતા પરંતુ ત્યાંની અસ્થિર રાજકીય સ્થિતિને પગલે મુલાકાત રદ કરાઇ છે. મોદી તેમના પાંચ દિવસના પ્રવાસના અંતિમ ચરણમાં ૧૩-૧૪મી માર્ચે શ્રીલંકાનો પ્રવાસ કરશે. મોદીની આ મુલાકાત દરમિયાન માછીમારોના વિવાદનો માનવીય ઉકેલ આવે તેવી આશા ભારત રાખે છે. ઉપરાંત વડા પ્રધાન મોદી શ્રીલંકાની સંસદને સંબોધન કરશે અને એક સમયે ગૃહયુદ્ધના કેન્દ્ર સમાન જાફના શહેરની પણ મુલાકાત લેશે. ૧૯૮૭માં સ્વ. રાજીવ ગાંધીએ જાફનાની મુલાકાત લીધાના ૨૮ વર્ષ બાદ ભારતીય વડા પ્રધાન જાફનાની મુલાકાત લેશે.

• સતત અવગણના પછી મમતાએ મોદીને યાદ કર્યાઃ રાજકારણના મેદાનમાં સામસામે તલવારો ખેંચી રહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે મુલાકાત યોજાઇ હતી. મે ૨૦૧૪માં મોદી વડા પ્રધાન બન્યાના નવ મહિનામાં મમતા સાથેની આ પ્રથમ મુલાકાત હતી. મમતા બેનરજીએ વડા પ્રધાન પાસે રાજ્યનો દેવાનો બોજો ઓછો કરવા આર્થિક સહાયની માગ કરી છે, જોકે સૂત્રો કહે છે કેવડા પ્રધાને તેમને કેન્દ્રીય સહાયનું કોઈ આશ્વાસન આપ્યું નથી, પરંતુ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળને રાજ્યની કોલસાની ખાણોની હરાજી અને ક્લીન ગંગા પ્રોજેક્ટમાંથી લાભ થશે. પશ્ચિમ બંગાળના વિકાસ આડે કોઇ અવરોધ ઊભો કરાશે નહીં. મોદીએ જણાવ્યું હતું કે હું સહકારની ભાવનામાં માનું છું. હું સતત કહેતો આવ્યો છું કે શક્તિશાળી રાજ્યો જ શક્તિશાળી ભારતનું નિર્માણ કરી શકશે. હું પશ્ચિમ બંગાળ અને કોલકાતાના વિકાસ માટે પ્રતિબદ્ધ છું.

• ચીન પણ ભારતીયોને વિઝા ઓન એરાઇવલ સુવિધા આપશેઃ ગત મહિને નાણા પ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા ૪૩ દેશોથી વધારીને ૧૫૦ દેશો માટે કરી આપી છે. જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે. ચીને પણ હવે કહ્યું છે કે જ્યારે પણ ભારત આ સેવા શરૂ કરશે તે પછી ચીન પણ ભારતીય નાગરિકોને વિઝા ઓન એરાઇવલની સુવિધા આપશે. ભારત ખાતે ચીનનાં રાજદૂત લી વૂચેન્ગે જણાવ્યું હતું કે તેની સામે અમને કોઈ વાંધો નથી. ભારત આનો અમલ કરશે કે તરત જ અમે પણ તેને આ સુવિધા આપી શકીએ છીએ. ચીનનાં આવી રહેલા નવા વર્ષની ઉજવણી પ્રસંગે ચીનના દૂતાવાસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથેના સંબંધો મજબૂત બનાવવા માગે છે.

• કોલસા ખાણની હરાજીથી રૂ. ૨.૦૭ લાખ કરોડની આવકનો અંદાજઃ કોલસાની ખાણની હરાજીના બીજા તબક્કામાં કુલ ૧૩ ખાણની હરાજી સંપન્ન થઈ છે. સોમવારે આ તબક્કાનો પાંચમો દિવસ હતો. પ્રથમ તબક્કામાં ૧૯ ખાણની હરાજી સંપન્ન થઈ હતી. કોલસા પ્રધાન પીયૂષ ગોયલે દાવાપૂર્વક જણાવ્યું છે કે કોલસા ખાણ હરાજીને પગલે કુલ ૨.૦૭ લાખ કરોડની આવક થવાની સંભાવના છે.

• કેશ વાનમાંથી રૂ. ૧.૩૪ કરોડની લૂંટઃ ચંડીગઢના મોહાલી લાંડ્રા રોડ પર કારમાં સવાર લૂંટારુઓેએ સોમવારે ધોળા દિવસે એક્સિસ બેંકની કેશ-વાનમાંથી રૂપિયા એક કરોડ ૩૪ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. એક્સિસ બેંકની વાનમાં પાંચ કર્મચારીઓ આ કેશ લઈને સેક્ટર-૩૪માંથી બનૂડ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારુઓ ફોર્ચ્યુન કારમાં આ વાનનો પીછો કરી રહ્યા હતા, તેમણે આ વાનને મોહાલી લાંડ્રા રોડ પર આંતરીને તેમાં બેઠેલાં લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને વાનમાંથી નીચે ઉતારી દીધા હતા અને લૂંટારુઓ વાન લઈને ફરાર થઈ ગયા હતા.

• ૬૧ વર્ષના નાનીએ દોહિત્રને જન્મ આપ્યોઃ એક વખતના ગર્ભપાત અને પછી સરોગેટ મધર થકી પણ સંતાન પ્રાપ્તિની આશા નહીં ફળતા નિરાશ થયેલી ૨૭ વર્ષની યુવતીને તેની માતાએ જ નવી ભેટ આપી જીવન ખુશહાલ બનાવી દીધાની ઘટના ચેન્નાઈમાં બની છે. આ ઘટનામાં ૬૧ વર્ષીય માતાએ જ તેની પુત્રીને આ જોખમી ભેટ આપી હતી. ગત નવેમ્બરમાં માતાએ કૂખ ભાડે આપતાં તેના ૨.૭ કિલો વજન ધરાવતા દોહિત્રનો સિઝેરિયન થકી જન્મ થયો હતો. પ્રેગ્નન્સીની સમસ્યાને કારણે પ્રથમ વખત સાત માસનો ગર્ભ ગુમાવ્યા બાદ મહિલાએ ફર્ટિલિટી સેન્ટર ખાતે સરોગેટ મધર માટે પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ આ ઓપરેશન દરમિયાન વધારે પડતું લોહી વહી જવાને કારણે તબીબોએ તેણીનું ગર્ભાશય કાઢી નાખવાની ફરજ પડી હતી. આ બનાવના બે વર્ષ બાદ આઈટી પ્રોફેશનલ પતિ સાથે સિથાલક્ષ્મી નામની મહિલા પાછી આવી હતી અને સરોગેટ મધર માટે પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ આ દરમિયાન તેમને એક અન્ય નિઃસંતાન દંપતી મળ્યું હતું જેમણે સરોગેટ મધર પાછળ આઠ લાખનો ખર્ચ કરતા પરિવારમાં જ કોઈને તૈયાર કરવા માટે જણાવ્યું હતું. જેના માટે તેણીના માતા તૈયાર થઈ હતી પરંતુ તેણી મેનોપોઝની અવસ્થામાં હોય તેમને પણ બે મહિના માટે તેમનો રજોસ્ત્રાવ ફરી શરૂ થાય એની સારવાર અપાઈ હતી અને ત્યાર બાદ ગર્ભનું પ્રત્યાર્પણ કરાયું હતું અને આખરે બાળકનો જન્મ થયો હતો. આ જોગાનુજોગ છે કે, મહિલાએ તેની પુત્રીને ધાવણ કરાવ્યા બાદ આજે તેના દોહિત્રને પણ ધાવણ કરાવી રહી છે.

• વરિષ્ઠ પત્રકાર વિનોદ મહેતાનું નિધન: દેશનાં પત્રકારજગતમાં ટોચનું સ્થાન ધરાવતા વિનોદ મહેતા (૭૩)નું ટૂંકી માંદગી બાદ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ગત સપ્તાહે નિધન થયું હતું. તેમણે ‘લખનૌ બોય’થી તેમની સફર શરૂ કરી હતી અને અનેક અખબારો અને મેગેઝિનોમાં પત્રકાર તરીકે સેવાઓ આપીને તંત્રીના પદ સુધી પહોંચ્યા હતા, તેઓ આઉટલુક મેગેઝિનના સ્થાપક હતા, તેમનાં અવસાનથી પત્રકારજગતમાં શોકનો માહોલ સર્જાયો હતો.

• મહારાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે મુસ્લિમ અનામત રદઃ મહારાષ્ટ્ર સરકારે શિક્ષણમાં મુસ્લિમો માટે પાંચ ટકા અનામત ક્વોટા રદ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ભારે વિરોધ જાગ્યો છે અને વિપક્ષોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ-અેનસીપી સરકારે જુલાઈ ૨૦૧૪માં મુસ્લિમો માટે પાંચ ટકા અનામત ક્વોટા જાહેર કર્યો હતો. જેને ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકારે હવે રદ કરાવ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter