મુંબઇઃ ભારતમાં નાણાંકીય સેવાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા એચડીએફસી ગ્રૂપે તેના જ નેતૃત્વ હેઠળની એચડીએફસી બેન્કમાં મર્જરની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત એચડીએફસી બેન્કમાં એચડીએફસીનો હિસ્સો 41 ટકા હિસ્સો હશે. એચડીએફસીએ સોમવારે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બોર્ડની બેઠકમાં એચડીએફસીને એચડીએફસી બેન્કમાં મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મર્જરમાં કંપનીના શેરહોલ્ડર્સ અને ક્રેડિટર્સ પણ સામેલ થશે.
એચડીએફસી ગ્રૂપે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે પ્રસ્તાવિત ડીલનો હેતુ એચડીએફસી બેન્કના હાઉસિંગ લોનના પોર્ટફોલિયોને સારો બનાવવો અને તેના હાલના કસ્ટમર બેઝને વધારવાનો છે. એચડીએફસી અને એચડીએફસી બેન્કનું આ મર્જર નાણાકીય વર્ષ 2024ના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે. જાહેરાત અનુસાર, એચડીએફસીના પ્રત્યેક 25 શેર સામે એચડીએફસી બેન્કના 42 શેર ઇસ્યુ કરાશે.
બે રાત સુધી ઊંઘ્યો નહોતો: દીપક પારેખ
એચડીએફસી ગ્રૂપના ચેરમેન દીપક પારેખે કહ્યું હતું કે તેમને બે રાત સુધી ઊંઘ આવી નહોતી. હાઉસિંગ ફાઈનાન્સમાં 45 વર્ષ અને 90 લાખ ભારતીયોને ઘર લેવામાં મદદ કર્યા બાદ આખરે અમને પોતાનું ઘર મળ્યું છે. અમને આ સ્થાન પોતાના પરિવારમાં અને પોતાની બેંકમાં મળ્યું છે.
પારેખે કહ્યું હતું કે આ બરાબરીનું મર્જર છે. અમારું માનવું છે કે RERAના લાગુ થવાથી, હાઉસિંગ સેક્ટરને ઈન્ફ્રાસ્ટ્રક્ટરનો દરજ્જો, અફોર્ડેબલ હાઉસિંગને લઈને સરકારની પહેલ જેવી તમામ બીજી બાબતોના કારણે હાઉસિંગ ફાઈનાન્સના બિઝનેસમાં તેજી આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે થોડાં વર્ષોમાં બેન્કો અને એનબીએફસીના ઘણા રેગ્યુલેશનને વધુ સારા બનાવવામાં આવ્યા છે એનાથી મર્જરની શક્યતા વધી છે. એનાથી મોટી બેલેન્સશીટને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની લોનની વ્યવસ્થા કરવાની તક મળી છે. સાથે જ ઈકોનોમીનો ક્રેડિટ ગ્રોથ વધ્યો છે. અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળ્યું અને કૃષિ સહિત તમામ પ્રાયોરિટી સેક્ટરને અગાઉ કરતાં વધુ લોન આપવામાં આવી.
યુકેમાં એચડીએફસીના પહેલાં પગરણ કર્મયોગ હાઉસમાં
એચડીએફસી ટ્વીન્સના મેગા મર્જરના અહેવાલથી ભારતના નાણાકીય સેવા ક્ષેત્રે હલચલ મચી છે ત્યારે આ જૂથના યુકે આગમનનો ઉલ્લેખ અસ્થાને નથી. એચડીએફસી ગ્રૂપે યુકેમાં વ્યાવસાયિક કામગીરીનો પ્રારંભ કર્યો તે વેળાએ સૌપ્રથમ ‘કર્મયોગ હાઉસ’માં મિલન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના ટોચના પ્રોફેશનલ્સથી માંડીને ફાઇનાન્સ અને બિઝનેસ ક્ષેત્રના 70થી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે એચડીએફસી ગ્રૂપના ચેરમેન દીપક પારેખે ખાસ ઉપસ્થિત રહીને જૂથની કામગીરી અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.