મેગી નૂડલ્સ પર ભારતમાં પ્રતિબંધ મુકાશે?

Friday 29th May 2015 05:47 EDT
 

પટનાઃ મેગી ખાવાના રસિકો માટે ખરાબ સમાચાર છે. કારણ કે મેગી પર પણ સમગ્ર દેશમાં પ્રતિબંધ લાગવાની સંભાવના છે. એફએસએસએઆઈએ સમગ્ર દેશમાં મેગીના નમૂનાની તપાસ કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના ખાદ્ય વિભાગના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. અગાઉ મેગીના એક સેમ્પલમાં ઘાતક કેમિકલ હોવાની વાત બહાર આવી હતી, જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી બાજુ મેગીની જાહેરાત કરનાર બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારે પડી ગયું છે, હરિદ્વારના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા માધુરીને આ જાહેરાત કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે અને તેની પાસેથી સાત જુદા જુદા મુદ્દે જવાબ માગવામાં આવ્યા છે.

US સ્ટુડન્ટ વિઝા માટે ભારતમાંથી ૯૦ હજાર અરજીઃ ભારતમાંથી આ વર્ષે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે ૯૦ હજાર અરજીઓ થઇ છે. આમ સ્ટુડન્ટ વિઝા માટેની અરજીમાં આ વર્ષે ૬૦ ટકાનો વધારો થયો હતો. જોકે, એમાંથી ફક્ત ૪,૦૦૦ અરજદારોને જ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. છેલ્લા ૧૨ મહિનામાં ખાસ કરીને મુંબઈની એલચી કચેરી તેમ જ હૈદરાબાદનાં કોન્સ્યુલેટ ખાતે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે અરજદારોની સંખ્યામાં બમણો વધારો થયો હતો. સ્ટુડન્ટ વિઝા મેળવનારા વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતા આશરે ૧,૦૩,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ સાથે જોડાશે.

છોટા શકીલ અમેરિકામાં હતોઃ છેલ્લાં કેટલાક દિવસથી ભારતભરમાં એવી ચર્ચા થતી હતી કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે કે નહીં? આ દરમિયાન દાઉદના ખાસ માણસ છોટા શકીલ પાકિસ્તાનની બહાર ફરતો રહ્યો, પરંતુ કોઈપણ તપાસ એજન્સીએ તેની દરકાર કરી નથી. વિશ્વસનીય સૂત્રના જણાવ્યા પ્રમાણે શકીલ ૪૩ દિવસ બાદ ૨૭ મેએ કરાચી પરત ફર્યો છે. સૂત્ર કહે છે કે, આ ૪૩ દિવસમાં શકીલે થોડો સમય ઓસ્ટ્રેલિયામાં અને બાકીનો સમય અમેરિકામાં પોતાની પુત્રી અને તેના પરિવાર સાથે વિતાવ્યો. શકીલની પુત્રી ઝોયા વ્યવસાયે ડોક્ટર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઝોયાના એક ડોક્ટર સાથે જ પાકિસ્તાનમાં લગ્ન થયાં. શકીલનો જમાઈ મૂળ ભારતીય છે અને તે અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે. શકીલ આ જ કારણે અમેરિકા ગયો હતો, પરંતુ અમેરિકામાં એફબીઆઈ જેવી એજન્સી હોવા છતાં પણ ઈન્ટરપોલ તેને શોધી શકી નથી. મુંબઈમાં દાઉદનો હપ્તા બિઝનેસ મૂળ રીતે શકીલ કે ફહીમ જુએ છે.

મોદીની સાથે મમતા બેનરજી પણ બાંગ્લાદેશ જશેઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે વિવિધ મુદ્દે થનારી વાટાઘાટોમાં મમતા બેનરજીએ પણ જોડાવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન મોદી ૬ જૂનથી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે જવાના છે ત્યારે પં. બંગાળના મુખ્યપ્રધાન મમતા પણ તેની સાથે જશે.દરમિયાન શુભેચ્છાના પ્રતીકરૂપે વડા પ્રધાન મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાના કમલ સાગર ખાતે સરહદી બજાર ‘કમલ સાગર હાટ’નું ઉદ્ધાટન કરશે. પં. બંગાળના શિક્ષણ અને સંસદીય બાબતોના પ્રધાન પાર્થ ચેટર્જીએ કહ્યું કે, ‘આગામી મહિને મુખ્યપ્રધાન મમતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બાંગ્લાદેશ જશે. અમે આશા રાખીએ છીએ કે આ મુલાકાત બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો મજબૂત બનશે. આનાથી મીડિયામાં ચાલતી મમતા બાંગ્લાદેશ જશે કે નહીં તે અંગેની અટકળોનો અંત આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter