નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી શુક્રવાર સુધીમાં નેસ્લે ઇન્ડિયાનો શેર ૭૦૩૮થી ઘટીને ૬૦૧૧ રૂપિયા પર પહોંચી ગયો છે. આ વિવાદના પગલે નેસ્લેનાં માર્કેટ કેપિટલમાં રૂ. ૧૦ હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે તો નેસ્લેનો શેર ડિસેમ્બર ૨૦૧૪ બાદ પહેલી વખત રૂ. ૬૦૦૦ની નીચે જતો રહ્યો હતો. આ વિવાદના પગલે નેસ્લેનો આશરે રૂ. ૪૦૦૦ કરોડનો વ્યાપાર પ્રભાવિત થયો છે.
હાલ ભારતમાં વિશાળ રિટેઇલ ચેઇન સ્ટોર ધરાવતા ફ્યૂચર ગ્રૂપ, વોલ્માર્ટ, મેટ્રો એજીએ મેગીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ પણ તેની કેન્ટીનમાં મેગીના વપરાશ સામે મનાઇ ફરમાવી છે.
આ ઉપરાંત જુદા જુદા રાજ્યોએ પોતપોતાની રીતે પગલાં લીધા છે. જેમાં દિલ્હીએ મેગીના વપરાશ પર ૧૫ દિવસનો પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ગુજરાત અને કાશ્મીરે એક-એક મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તરાખંડ અને તામિલનાડુએ જરૂરી સ્પષ્ટતા ન થાય ત્યાં મેગીના વપરાશ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં તપાસ દરમિયાન એમએસજી અને લેડનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે, જ્યારે કેરળમાં પ્રતિબંધ મુકાયો છે, પરંતુ એક જિલ્લામાં લેડનું પ્રમાણ યોગ્ય મળ્યું છે. જ્યારે હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં હાથ ધરાયેલી તપાસમાં મેગી નુડલ્સમાં કંઇ વાંધાજનક તત્વો જણાયા નથી.
હાલમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડીશા, આસામ, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં મેગીના સેમ્પલની તપાસ ચાલી રહી છે. જો તેમને સેમ્પલમાં કંઇ વાંધાનજક જણાશે તો તેઓ જરૂરી પગલાં લેશે.