નવી દિલ્હીઃ એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને યુકેમાં રેસિડેન્ટ સ્ટેટસ અપાવવા માટે ઇમિગ્રેશન અપીલનાં સમર્થનમાં ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ હસ્તાક્ષર કર્યાની વાતને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતે કબૂલી છે. એક ન્યૂઝ ચેનલમાં જણાવ્યા પ્રમાણે, વસુંધરાએ પાર્ટીને જણાવ્યું છે કે, તેમણે મોદીને મિત્રતાના સંબંધે આ મદદ કરી હતી.
પોતાના હસ્તાક્ષરોવાળા દસ્તાવેજો બહાર આવતાં જ વસુંધરા રાજે ખરાબ રીતે ફસાયાં છે. ભાજપનું કહેવું છે કે, પાર્ટી આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ કોઈ કાર્યવાહી થશે, જોકે સૂત્રોનું કહેવું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટીની ખરાબ થઈ રહેલી છબીથી ખૂબ નારાજ છે અને તેમને બિહારની ચૂંટણીઓ પર તેની અસર પડે તેવી ચિંતા છે, માટે રાજે વિરુદ્ધ કોઈની કોઈ કાર્યવાહી નિશ્ચિત છે. આ દરમિયાન વસુંધરા રાજેની ઓફિસમાંથી નિવેદન જાહેર થયું હતું કે, પક્ષ દ્વારા તેમની પર રાજીનામું આપવા માટે કોઈ દબાણ નથી. બીજી તરફ વસુંધરાએ તેમના સમર્થક ધારાસભ્યોને ફોન કરી કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અને તેમના પક્ષમાં ઊભા રહેવા જણાવ્યું છે. જાણવા મળે છે કે, પાર્ટીએ વસુંધરાને પોતાનો પક્ષ મૂકવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા આ દસ્તાવેજો જાહેર થયા હતા, જેમાં વસુંધરાએ લલિત મોદીનાં સમર્થનમાં કહ્યું હતું કે, તેમના વિરુદ્ધ ભારતમાં ચાલી રહેલી તપાસ રાજનીતિથી પ્રેરિત છે. આ અગાઉ વસુંધરાએ આવા કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યાની વાતથી ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વસુંધરા મામલે અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુરુવારે મોડી રાત્રે મુલાકાત કરી હતી.