ન્યૂ જર્સીઃ અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી. રોયલ આલ્બર્ટ હોલમાં મોઢવાડિયાએ ૨૧મી સદી ભારતની સદી રહેવાની હોવનું જણાવી કહ્યું હતું કે અમેરિકા-યુરોપને વર્તમાન વિકસિત લોકશાહી અને માનવ મૂલ્યોથી ભરપૂર જીવન પદ્ધતિ અપનાવતા સૈકાઓ લાગ્યા હતા. ભારત દેશે ઝડપી પ્રગતિ કરીને ઉત્તરાર્ધમાં આ મૂલ્યો લોકજીવનમાં ઉતારવા અને શાસન વ્યવસ્થામાં દાખલ કરવા પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને તેમની સરકારના વડા નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓ જીતવા ‘માગો લાખ તો આપું સવા લાખ’ની નીતિ અપનાવી હતી પરંતુ હવે માત્ર યુપીએ સરકારની યોજનાઓના નામ બદલીને ‘પેકેજિંગ એન્ડ માર્કેટિંગ’નું કામ મીડિયા દ્વારા કરે છે. યુવાનો અને વિચારકો નિરાશ થયા છે. આ પ્રસંગે આઈએનઓસીના ગુજરાત ચેપ્ટરની રચના કરાઈ હતી તેમજ ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિની પણ ઊજવણી કરી તેમને શ્રદ્ધાંજલિ આપીહતી. આઈએનઓસીના પ્રમુખ જુનેદ કાઝીએ ગુજરાત ચેપ્ટર શરૂ કરવાની જાહેર કરી પ્રમુખ પદે અનિલ પટેલનું નામ જાહેર કર્યું હતું. ભારતીય અગ્રણી પીટર કોઠારી, અનિલ પટેલ, વીરુ પટેલ અને મહેશ પટેલે સંમેલનને સંબોધન કર્યું હતું.