મોદી જવાનોના ખૂનની રાજકીય દલાલી કરે છે: રાહુલ

Friday 07th October 2016 05:06 EDT
 
 

નવી દિલ્હીઃ કાશ્મીરમાં દેશ ખાતર હોમાઈ જતા જવાનોની શહીદીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય દલાલી કરી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પાંચમી ઓક્ટોબરે મૂક્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક મામલે મોદી પર વરસતાં રાહુલે કહ્યું હતું કે, જો હમારે જવાન હૈ, જિન્હોંને અપના ખૂન દિયા હૈ. જમ્મુ એન્ડ કાશ્મીર મૈં ખૂન દિયા હૈ. જિન્હોંને હિન્દુસ્તાન કે લિયે સર્જિકલ સ્ટ્રાઈક કિયા હૈ. ઉનકે ખૂન કે પીછે આપ છૂપે હૈ. ઉનકી શહાદત કી આપ દલાલી કર રહે હો. યહ બિલકુલ ગલત હૈ. રાહુલે મોદી પર જવાનોની શહીદીમાંથી રાજકીય રોકડી કરવાનો આરોપ મૂક્યો હતો. ભારતીય આર્મીએ દેશ માટે પોતાની ફરજ બજાવી છે. તમે તમારી ફરજ બજાવો, એમ રાહુલે ઉમેર્યું હતું.

નિમ્ન કક્ષાનું નિવેદનઃ ભાજપ

રાહુલના આ નિવેદનની ભાજપે આકરી ટીકા કરીને કહ્યું છે કે ભારતીય રાજકારણમાં આ નિવેદન એકદમ નિમ્ન કક્ષા બતાવે છે. રાહુલની હતાશા તેમાં દેખાય છે. આ એકદમ શરમજનક છે. તેમાંથી રાહુલની માનસિક નાદારી દેખાઈ આવે છે. આર્મી અને વડા પ્રધાનને દેશમાંથી સર્જિકલ સ્ટ્રાઈક માટે પ્રશંસા મળી રહી છે. રાહુલ હતાશ છે. તેમ ભાજપના રાષ્ટ્રીય સચિવ શ્રીકાંત શર્માએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter