મોદી ટૂંક સમયમાં પ્રધાનમંડળનો ગંજીપો ચીપશે

Friday 17th June 2016 06:20 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં તોળાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મોદી સરકાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં જ પોતાના પ્રધાનમંડળમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. આ ફેરબદલ દરમિયાન કેટલાક પ્રધાનોને પ્રમોશન અપાશે તો ગિરિરાજ સિંહ અને અન્ય કેટલાક પ્રધાનોની ખુરશી છીનવાઈ શકે છે. સૂત્રોના મતે નવા ચહેરાઓમાં એક પ્રધાન ઉત્તર પ્રદેશમાંથી લેવાશે તે વાત નક્કી માનવામાં આવી રહી છે. ૨૧થી ૨૩ જૂન દરમિયાન પ્રધાનમંડળમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

એક અહેવાલ અનુસાર, મોદી સરકાર દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારતમાં તેમની ઉપસ્થિતિ અને કાર્યક્રમોમાં વ્યસ્તતા અંગે પૂછવામાં આવ્યું છે. ખાસ કરીને આ મહિનામાં ૧૯થી ૨૩ તારીખ વચ્ચે રાષ્ટ્રપતિનો કોઈ પ્રવાસ કે આયોજન નથી તેવી જાણકારી મેળવવામાં આવી હતી. બે વર્ષની કામગીરી બાદ અને ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા અંગે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરાય તેમ છે.

કેટલાકનું પ્રધાનપદું જોખમમાં 

મોદી સરકાર દ્વારા કેબિનેટમાં ફેરફાર કરવા અંગે વિચારણા થઈ રહી છે ત્યારે સૂત્રોના મતે કેટલાક નેતાઓની ખુરશી ચોક્કસપણે જાય તેવી છે. ખાસ કરીને પ્રધાન ગિરિરાજ સિંહ પોતાનું પદ ગુમાવે તેવી શક્યતા છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ બનવાના સપનાં જોતાં અને તે માટે મહેનત કરતાં નઝમા હેપ્તુલ્લાને પણ પડતા મૂકાય તેમ છે. બીજી તરફ નિહાલ ચંદનું પ્રધાનપદ પણ પાછું ખેંચાય તેવી શક્યતા છે.

નકવીને પ્રમોશનની શક્યતા

અલ્લાહાબાદના સાંસદ શ્યામચરણ ગુપ્તા, જબલપુરના સાંસદ રાકેશ સિંહ, બિકાનેરના અર્જુનરામ મેઘવાલ, ભાજપના મહાસચિવ ઓમ માથુર તથા સહસ્ત્રબુદ્ધેને નવી કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા વધી છે. બીજી તરફ આસામને પણ કેબિનેટમાં એક સ્થાન આપવાની વિચારણા ચાલી રહી છે. મુખ્તાર અબ્બાસ નકવીને પ્રમોશન અપાય તેવી શક્યતા છે.

સૂત્રો જ સરકારના ચાલક કે શું?

રાજકીય તજજ્ઞો અને વિવેચકો માની રહ્યા છે કે અવારનવાર મોદી સરકારની કેબિનેટમાં ફેરફારની વાતો સૂત્રો દ્વારા વહેતી કરવામાં આવે છે. સૂત્રો આ સમાચાર જાતે વહેતા કરે છે કે પછી કરાવવામાં આવે છે તે પણ એક ચર્ચાનો વિષય છે. મોદી સરકાર જો ખરેખર પોતાની કેબિનેટમાં ફેરફાર કરવા માગીત હોય તો તેણે કરી દેવો જોઈએ. ઘણા સમયથી આ મુદ્દો લંબાય છે અને સૂત્ર દ્વારા અવનવાં સમીકરણો વહેતાં કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter