ન્યૂ યોર્કઃ રિઝર્વ બેન્ક ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે ગયા વર્ષે જ્યારે દેશમાં નવી સરકાર રચાઇ ત્યારે તેની પાસેથી રખાયેલી આશાઓ અવાસ્તવિક હતી, પણ સરકારે દેશમાં મૂડીરોકાણ માટે યોગ્ય માહોલ ઊભો કરવા માટે પગલાં ભર્યા છે તે મહત્વપૂર્ણ છે. ભારતમાં રોકાણ વધી રહ્યું છે, ભલે તેની ઝડપ હાલ ધીમી કેમ ના હોય. સરકાર રોકાણકારોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે.
એક વિશેષ વાતચીતમાં રઘુરામ રાજને કહ્યું હતું કે, લોકોના મનમાં વડા પ્રધાન મોદીની છબી થોડી અલગ હતી. તેમને લાગતું હતું કે મોદી બજારવિરોધી તાકતોને ચપટિક વગાડતાં સમાપ્ત કરી નાખશે. આ આશા ઠીક નહોતી.
આરબીઆઈના ગવર્નરના મતે બિઝનેસનું વાતાવરણ ઊભું કરવા માટે ટેક્સ સૌથી મહત્વપૂર્ણ છે. સરકાર કહી ચૂકી છે કે તે પાછલી તારીખોથી કોઇ ટેક્સ નહીં લાદે, પણ જ્યારે અધિકારીઓ તમને ટેક્સ નોટિસ ફટકારે તે પછી સરકાર તેમાં કોઇ દખલ કરી શકતી નથી. કોઇ વિવાદ હોય તો તેનું નિરાકરણ કોર્ટથી થઇ શકે છે.
તેમણે કહ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર વ્યાપક સ્તરે સહમતિ છે. સંસદના બજેટ સત્રમાં બિલ પાસ થવાની આશા હતી. હજુ પણ આશા છે કે આવતા વર્ષે લાગુ થવાની તારીખ પહેલા તે સંસદમાં પાસ થઇ જશે. રાજને કહ્યું હતું કે રોકાણ માટે ઘણી મોટી યોજનાઓ છે. ખાસ કરીને મુંબઈ-દિલ્હી ઇન્ડસ્ટ્રિયલ અને ફ્રેટ કોરિડોરમાં. તેમણે સરકારના ખર્ચ કાપની યોજનાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. કહ્યું હતું કે મહેસૂલના મોરચે પરિસ્થિતિ સારી થઇ છે. મોંઘવારી ઘટી છે. ઋણ વિશે તેમણે કહ્યું હતું કે બેન્કો પાસે લોન આપવા માટે નાણાં છે.