નવી દિલ્હીઃ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસની યુપીએ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવનારા અણ્ણા હઝારે ફરીથી સરકાર સામે આવ્યા છે. આ વખતે તેઓ નરેન્દ્ર મોદી સરકારના જમીન સંપાદનના વટહુકમનો વિરોધ કરી રહ્યા છે. આ વટહુકમના વિરોધમાં અણ્ણા હઝારેએ સોમવારે દિલ્હીમાં જંતરમતંર ખાતે બે દિવસના ધરણા કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે આ કાયદો ઉદ્યોગો તરફી છે. ૭૭ વર્ષીય ગાંધીવાદી સામાજિક કાર્યકર્તા અણ્ણાએ જાહેરાત કરી છે કે સમગ્ર દેશની પદયાત્રાના અંતે ત્રણથી ચાર મહિના પછી રામલીલા મેદાનમાંથી જેલ ભરો આંદોલન શરૂ થશે. જમીન સંપાદન અંગે ભાજપ પર પ્રહારો કરતા અણ્ણાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘અચ્છે દિન’નું વચન આપ્યું હતું પરંતુ સારા દિવસો માત્ર ઉદ્યોગપતિઓ માટે જ આવ્યા છે. અણ્ણાએ આક્ષેપ કર્યો હતો કે આ વટહુકમથી ખેડૂતોની જમીન છીનવી લેવાશે. બ્રિટિશરો આવી જ રીતે જમીન મેળવતા હતાં આજની સરકાર બ્રિટિશ શાસનકાળ કરતા પણ ખરાબ છે. બ્રિટિશ શાસકોએ પણ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચાડયું ન હતું. મંગળવારે અણ્ણાની સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ જોડાયા હતા.