વિકાસના વચનો સાથે કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર એક યા બીજા કારણોસર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેનાં તારણો અનુસાર ૬૫ ટકા ભારતીયો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. લગભગ ૧.૪૦ લાખથી વધુ લોકો પર થયેલા ‘યુથ ફોર ધ નેશન’ પોલમાં વિવિધ ૩૦ પ્રશ્નો પુછાયા હતા. તેમાં ૧૦ લાખથી વધુ જવાબો મળ્યા હતા. આંકડાઓ અનુસાર ૭૬ ટકા લોકો સહમત હતા કે, વડા પ્રધાન મોદીએ કરેલા વિદેશ પ્રવાસોથી ભારતને નોંધપાત્ર લાભ થઈ શકે છે. ૬૭ ટકા લોકોના મતે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન રોજગારીની નવી તકો ઊભી કરી શકે છે. એક નવતર અભિગમ સાથે શરૂ કરાયેલા ‘સ્વચ્છતા અભિયાન’ને જોકે ૫૩ ટકા લોકોએ જ સમર્થન આપ્યું હતું.