મોદી સરકારના મંત્રાલયોમાં કોર્પોરેટ જાસૂસી કૌભાંડ

Thursday 26th February 2015 05:27 EST
 
 

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી રહ્યા છે. દેશના પાટનગરમાં આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે કોર્પોરેટ જગતનો પ્રાથમિક પ્રતિભાવ એવો હતો કે કોર્પોરેટ જાસૂસી કંઈ નવી વાત નથી. જોકે, કૌભાંડની તપાસ દરમિયાન નાણા પ્રધાન અરુણ જેટલીનું બજેટ ભાષણ પણ લિક થઈ ગયું હોવાની વિગતો જાહેર થતાં સનસનાટી મચી ગઇ છે. મંત્રાલયોની નોંધ સાથેની ફાઇલો વડા પ્રધાન કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં જ તેમાંની માહિતી કોર્પોરેટ હાઉસ સુધી પહોંચી જતી હતી તે વાત જ આ કૌભાંડના મૂળિયા કેટલાં ઊંડા હતા તે દર્શાવે છે.
પેટ્રોલિયમ મંત્રાલયથી ખુલ્લાં પડેલાં કૌભાંડની તપાસનો રેલો હવે કોલસા અને ઊર્જા મંત્રાલયે પહોંચ્યો છે. પોલીસે મંગળવાર સુધીમાં કુલ ૧૪ લોકોની ધરપકડ કરી છે. જેમાં રિલાયન્સ, કેઇર્ન્સ ઇંડિયા, અનિલ અંબાણીની માલિકીની એડીએજી રિલાયન્સ, એસ્સાર ગ્રૂપ, જ્યુબિલિયન્ટ એનર્જી જેવા ટોચના કોર્પોરેટ હાઉસના અધિકારીઓનો સમાવેશ થાય છે. તો સાથોસાથ આરોપીઓની યાદીમાં જુદા જુદા મંત્રાલયોના અધિકારીઓથી માંડીને ચપરાસીના નામ પણ જોવા મળે છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ૧૭,૫૦૦ કોલ ડિટેઇલ્સની તપાસ હાથ ધરી છે.

જાસૂસીનું નેટવર્ક
જુદા જુદા ક્ષેત્રોના કોર્પોરેટ હાઉસ માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી કંપનીઓ મંત્રાલયમાંથી મહત્ત્વની માહિતી ગુપચાવીને કોર્પોરેટ કંપનીઓને પહોંચાડતી હતી. આ માટે કન્સલટન્ટ્સ એમબીએ થયેલા યુવકોને નોકરી પર રાખતા હતા. તેઓ મોટી રકમ લઈ કંપનીઓને સરકારની પોલિસીઓની જાણકારી આપતા હતા. આ લોકોએ પેટ્રોલિયમ વિભાગમાં કામ કરતા આશારામ સિંહ અને તેના દીકરા રાકેશ અને લાલટા પ્રસાદને સાધ્યા હતા. ડિસ્પેચ ક્લાર્ક ઇશ્વર સિંહની મદદથી દસ્તાવેજો ચોરતા હતા.
બજેટ પ્રવચનના અંશો મળ્યા
આરોપીઓએ ચોરેલા દસ્તાવેજોમાં નાણા પ્રધાન અરુણ જેટલીને બજેટ પ્રવચન માટે અપાયેલા ઇનપૂટના કાગળો પણ મળ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે નેશનલ ગેસ ગ્રીડ અંગે નાણા પ્રધાનને માહિતી આપી હતી, જે આરોપીઓ પાસેથી મળી છે. કેસની તપાસ સાથે સંકળાયેલા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પેટ્રોલિયમ જ નહીં, ઊર્જા અને કોલસા મંત્રાલયમાં પણ આ પ્રકારની જાસૂસી કરી રહ્યા હતા. આરોપીઓ પાસેથી મળેલી ત્રણ ડાયરીઓમાંથી આ બધી વાતો બહાર આવી છે.
રૂ. ૧૦ હજાર કરોડનું કૌભાંડ?
પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા પત્રકાર શાંતનુ સૈકિયાએ પેટ્રોલિયમ મંત્રાલયમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. સૈકિયાએ પોલીસ પૂછપરછમાં દાવો કર્યો હતો કે મંત્રાલયના મહત્ત્વના દસ્તાવેજો લીક થવા સાથે મારે કોઇ લેવાદેવા નથી. હું તો મંત્રાલયમાં આચરાયેલાં ૧૦ હજાર કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહ્યો હતો તેથી મને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. પ્લીઝ મારાં નિવેદનને જાહેર કરજો.
સરકારને શાબાશીઃ ગૃહ પ્રધાન
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કૌભાંડ બહાર પડ્યા બાદ જણાવ્યું હતું કે, મંત્રાલયોમાં થતી જાસૂસીનું કૌભાંડ ઉઘાડું પાડવા બદલ સરકારને શાબાશી આપવી જોઇએ. જો અમે સાવચેત રહ્યા ન હોત તો આ કૌભાંડ ક્યારેય પકડાયું જ ન હોત. ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે અને દોષિતોને આકરી સજા ફટકારાશે.
મંત્રાલયમાંથી ગુમ દસ્તાવેજોમાં કોર્ટ કેસોમાં સરકારની વ્યૂહરચના, નીતિ-વિષયક નિર્ણયો, ક્રૂડ તેલની ખરીદીની વિગતો અને ફ્યુઅલ પર અપાતી સબસિડી અંગેની ફાઇલોનો સમાવેશ થાય છે.
ચાર માસની તપાસનું પરિણામ
મંત્રાલયોમાં જાસૂસીનો મામલો છેલ્લા ચાર મહિનાથી ચાલતી ઘનિષ્ઠ તપાસનું પરિણામ છે. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલની સૂચનાથી ગુપ્તચર એજન્સીઓએ મંત્રાલયોમાં નજર રાખી હતી. આ પછી ડોભાલે એલર્ટ જારી કરી ‘રો’ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ને કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી હતી.
આ પછી મંત્રાલયો અને વિભાગોને એલર્ટ કરાયા હતા. સંખ્યાબંધ ફોન-કોલ્સની ચકાસણી થઇ હતી. આરોપીઓ સુધી પહોંચવા ઘણી વાર નકલી દસ્તાવેજો તૈયાર કરાયા હતા અને બનાવટી વાતચીત કરીને તેમને ગેરમાર્ગે દોરાયા હતા. નકલી દસ્તાવેજો લીક થતાં જ આરોપીઓ સુધી પહોંચવાનો માર્ગ મોકળો બની ગયો હતો.
અને સૈકિયા સપડાયો
ડિસેમ્બર ૨૦૧૪માં પેટ્રોલિયમ મંત્રાલયની શાસ્ત્રી ભવનની કચેરીનાં ઝેરોક્ષ મશીન પરથી એક ઓરિજિનલ દસ્તાવેજ મળ્યો હતો. જેની માહિતી સૈકિયાના વેબપોર્ટલ પર જોવા મળી હતી. આ પછી ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)એ સૈકિયા પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
ડાયરીઓમાં છે સસ્પેન્સ
તપાસકર્તાઓએ પેટ્રોલિયમ મંત્રાલયના કર્મચારી આશારામ સિંહના પુત્રો પાસેથી ત્રણ ડાયરી જપ્ત કરી છે. જાસૂસી કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાઓનાં નામ આ ડાયરીઓમાંથી ખુલ્લાં પડી શકે છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રાલયમાંથી ઝડપાયેલા પાંચેય આરોપીઓ પૂર્વ પત્રકાર શાંતનુ સૈકિયા અને મેટિસ બિઝનેસ સોલ્યુશન્સના સીઈઓ પ્રયાસ જૈન માટે દસ્તાવેજોની ચોરી કરતા હતા. તમામ પાંચ આરોપી સૈકિયા અને જૈનના પે-રોલ પર હતા. સૈકિયા અને જૈન મંત્રાલયના પાંચેય કર્મચારીને મહિને રૂ. ૨૫થી ૩૦ હજાર પગાર આપતા હતા.
હજારો કોલ ડિટેલ્સની તપાસ
મંત્રાલયમાં કોર્પોરેટ જાસૂસી મુદ્દે પોલીસ ૧૭,૫૦૦ કોલ ડિટેલ્સ તપાસી રહી છે. ધરપકડ કરાયેલા ૧૨ આરોપીઓએ આ ફોન કોલ્સ પાછલા મહિને કર્યા હતા. પોલીસે ૫૫ લોકોની યાદી બનાવી છે, જેમને આ કોલ્સ કરાયા હતા. તેમની પૂછપરછ ચાલી રહી છે. નવી ધરપકડો પણ થઈ શકે છે. પોલીસે અત્યાર સુધીની તપાસના આધારે રિપોર્ટ તૈયાર કરીને ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે.
બેદરકારીનું પરિણામ
ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓ કહે છે કે જાસૂસીનો કેસ તંત્રની બેદરકારીનું પરિણામે છે. ભૂતપૂર્વ કેબિનેટ સચિવ ટી. એસ. આર. સુબ્રમણ્યમના મતે સંવેદનશીલ અને ક્લાસીફાઇડ માહિતી માટે પ્રક્રિયા છે. મહત્ત્વની માહિતી લીક થઇ છે તે દર્શાવે છે કે કોઈ સ્તરે બેદરકારી થઈ છે.

મુખ્ય આરોપીઓની કરમ કુંડળી
• ૫૮ વર્ષીય આશારામ સિંહ છેલ્લાં વીસ વર્ષથી પેટ્રોલિયમ મંત્રાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે અને ક્યારેક તે રાત્રે પણ ફરજ બજાવતો હતો.
• આશારામ ફરજ પર હાજર હોય ત્યારે તેમનો પુત્ર લાલટા પ્રસાદ (૩૬) બેધડક ઓફિસમાં પહોંચી જતો અને મુખ્ય દસ્તાવેજો લઇ આવતો હતો. દસ્તાવેજોની ચોરી વખતે લાલટા પ્રસાદ જ સીસીટીવી બંધ કરી નાખતો હતો. તેની પાસે નકલી ઓળખપત્ર, ચાવીઓ તેમ જ કામચલાઉ પાસ પણ રહેતા હતા.
• વર્ષ ૨૦૧૨માં લાલટા પ્રસાદ પેટ્રોલિયમ મંત્રાલયમાં ટાઇપિસ્ટ તરીકે રૂ. ૮૦૦૦ની નોકરી કરતો હતો. બાદમાં તે આ નોકરી છોડીને શાંતનુ સૈકિયાની કંપનીમાં રૂ. ૪૦ હજારના પગારથી જોડાયો.
• આશારામનો બીજો એક પુત્ર રાકેશ કુમાર (૩૦) પણ વર્ષ ૨૦૧૨માં પેટ્રોલિયમ મંત્રાલયની નોકરી છોડીને શાંતનુ સૈકિયાની કંપની માટે કામ કરવા લાગ્યો હતો.
• ૫૬ વર્ષીય ઈશ્વર સિંહ પણ વીસ વર્ષથી પેટ્રોલિયમ મંત્રાલયમાં મલ્ટિ-ટાસ્કિંગ કર્મચારી તરીકે ફરજ પર હતો. ઈશ્વર સિંહ પણ ક્યારેક રાત્રે ફરજ પર રહેતો અને દસ્તાવેજો ચોરીમાં મદદરૂપ થતો હતો.
• કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં ઝડપાયેલો સૈકિયા પોતાની ઓળખ પત્રકાર તરીકે આપે છે. ઈન્ડિયા પેટ્રો.કોમ સહિત ગેસ અને એનર્જી ક્ષેત્રની ત્રણ વેબસાઈટ્સના માલિક સૈકિયાની કંપનીનું કામ ન્યુઝ, એનાલિસિસ, ફોરકાસ્ટિંગ અને કન્સલ્ટન્સીનું છે.
• સૈકિયા પર પટાવાળાઓ પાસેથી ચોરી કરેલા ગુપ્ત દસ્તાવેજો ખરીદીને કોર્પોરેટ્સને વેચવાનો આરોપ છે.
• સૈકિયા સાથે મેટિસ કંપનીના સીઈઓ પ્રયાસ જૈનની પણ સંડોવણી. પ્રયાસ જૈનની મુખ્ય ભૂમિકા ગુપ્ત દસ્તાવેજોનું વિશ્લેષણ કરીને મહત્તમ વળતર મળે રીતે તેનું વેચાણ કરવાની હતી.

ક્યા ગુપ્ત દસ્તાવેજો મળ્યા?
• આગામી બજેટમાં વિવિધ ક્ષેત્રોને ફાળવવામાં આવનારા સૂચિત બજેટની વિગતો • વડા પ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ પેટ્રોલિયમ મંત્રાલયને લખેલો કોન્ફિડેન્શિયલ લેટર • નેશનલ ગેસ ગ્રિડનો ક્લાસિફાઈડ સ્ટેટ્સ રિપોર્ટ • ભારત અને શ્રીલંકા સહિતના ગ્લોબલ એનર્જી કો-ઓપરેશન ડ્રાફ્ટના કરારો.
ટોચના કોર્પોરેટ હાઉસની સંડોવણી?
• શૈલેષ સક્સેના (મેનેજર, કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
• વિનય કુમાર (ડેપ્યુટી જનરલ મેનેજર, એસ્સાર)
• કે. કે. નાઇક (જનરલ મેનેજર, કેઇર્ન્સ ઇન્ડિયા)
• સુભાષ ચંદ્રા (સિનિયર એક્ઝિક્યુટિવ, જ્યુબિલિયન્ટ એનર્જી)
• રિશી આનંદ (ડેપ્યુટી જનરલ મેનેજર, એડીએજી રિલાયન્સ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter