મોદી સામે અરુણ શૌરીએ મોરચો માંડ્યો

Monday 04th May 2015 13:09 EDT
 
 

નવી દિલ્હીઃ અટલ બિહારી બાજપેયીની એનડીએ સરકારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ બાબતોના પ્રધાન રહેલા અરુણ શૌરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિરીતિ સામે વિરોધ દર્શાવ્યો છે. તેમણે મોદીની ટીકા કરતા જણાવ્યું કે, મોદી અર્થવ્યવસ્થા બરાબર નથી ચલાવતા, લઘુમતીઓની ઉપેક્ષા કરે છે અને ઓબામાની મુલાકાત વખતે રૂ. ૧૦ લાખનો સૂટ પહેરીને તેમણે ભૂલ હતી. તેમણે ભાજપનો વહીવટ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અરુણ જેટલીની ત્રિપુટી જ ચલાવે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે અરુણ શૌરીએ ‘હેડલાઇન્સ ટૂડે’ ન્યૂસ ચેનલને ઇન્ટરવ્યૂ આપીને વડા પ્રધાન મોદીની ઉગ્ર ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે વાજપેયીની એનડીએ સરકારમાં શૌરી વગદાર નેતા ગણાતા હતા પરંતુ મોદી સરકારમાં તેમને સ્થાન મળ્યું નથી.

એક પ્રશ્નના જવાબમાં શૌરીએ જણાવ્યું હતું કે ૮ ટકા વિકાસ દરનો મોદીનો દાવો અતિશયોકિત છે તે માત્ર પ્રશંસા મેળવવા માટે છે હકીકત નથી.

નીતિઓના પરિણામો સુધી પહોંચવાને બદલે સરકાર માત્ર હેડલાઇન્સ ઉપર ધ્યાન આપે છે. બરાક ઓબામાની મુલાકાતમાં મોદીએ રૂ. ૧૦ લાખનો સૂટ પહેર્યો તે તેમની ભૂલ હતી, મોદીએ આવો સૂટ કેમ સ્વીકાર્યો અને પહેર્યો તે સમજાતું નથી. ગાંધીનું નામ લઇને આવો સૂટ પહેરી શકાય નહીં.

અરુણ શૌરીએ વધુ ચાબખાં મારતાં જણાવ્યું હતું કે મોદી ઈકોનોમિક્સ દિશાવિહિન છે. સરકાર પાસે નક્કર આયોજન કે આવડત નથી, સરકાર પાસે અર્થવ્યવસ્થા માટે કોઈ સ્પષ્ટ ચિત્ર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter