લંડનઃ વિખ્યાત મેગેઝિન 'ધ ઇકોનોમિસ્ટ'એ ભાજપ સરકારના એક વર્ષના કાર્યકાળનું મૂલ્યાંકન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વન મેન બેન્ડની ઉપમા આપી છે. મેગેઝિને કવરપેજ પર એક ચિત્ર છાપ્યું છે, જેમાં મોદીને એક સાથે ઘણાબધા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ધારણ કરેલા દર્શાવ્યા છે. મેગેઝિને ભારતના સુવર્ણ ભવિષ્યની તરફ ઇશારો તો કર્યો છે, પણ કેટલાય મુદ્દાઓ પર મોદીની ટીકા પણ કરી છે. રિપોર્ટમાં ત્યાં સુધી કહેવાયું છે કે વડા પ્રધાન મોદીની વિચારણસરણી હજુ પણ ગુજરાતના મુખ્ય પ્રધાન જેવી છે, એક રાષ્ટ્રીય નેતા જેવી નહીં.
મેગેઝિને લખ્યું છે કે મોદી પોતાના દેશ માટે મોટી આશા છે અને આ માટે તેમની પાસે આત્મવિશ્વાસ પણ છે, પરંતુ હજુ પણ તે દેખાડવું પડશે તેઓ આ કામ કેવી રીતે પાર પાડશે. અહેવાલ અનુસાર, 'મોદી અચ્છે દિનના નારો આપીને સત્તામાં તો આવી ગયા, પરંતુ તેમની રફતાર ખૂબ જ ધીમી છે. મતદારોએ ભાજપને છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી વધારે બેઠકો આપી, પરંતુ મોદીએ જેટલા અધિકારો પોતાના હાથોમાં રાખ્યા એટલા તાજેતરના વર્ષોમાં ભાગ્યો જો બીજા કોઈ વડાપ્રધાને રાખ્યા હશે.'
મેગેઝિને ગત વર્ષે ચૂંટણી દરમિયાન મોદી પર સ્ટોરી ન લખવાનું કારણ પણ જણાવ્યું છે. તેણે લખ્યું છે, 'અમને ધાર્મિક મુદ્દા સંદર્ભે તેમની ક્ષમતા પર શંકા હતી. મોદી કટ્ટર હિન્દુઓ પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યા છે, પણ આનંદ એ વાતનો છે કે અત્યાર સુધી કોઈ મોટી કોમી હિંસા જોવા મળી નથી, જેનો અમને સૌથી વધારે ભય હતો.'