મોસમ, મૃત્યુ, માર્કેટ અને મહિલા અંગે કોઇ ભવિષ્યવાણી ના કરી શકેઃ ‘ભારતના વોરેન બફેટ’નું નિધન

Wednesday 17th August 2022 07:04 EDT
 
 

મુંબઇઃ ‘ભારતના વોરેન બફેટ’ની આગવી ઓળખ ધરાવતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલે કહ્યું કે, ‘ઝુનઝુનવાલાને રવિવારે સવારે હોસ્પિટલ લવાયા હતા, ત્યારે તેમનું નિધન થઈ ગયું હતું.’ તેઓ કિડની, હૃદય સહિત અનેક બીમારીનો સામનો કરી રહ્યા હતા. ઝુનઝુનવાલા છેલ્લે સાતમી ઓગસ્ટે તેમની અકાસા એરની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટના ઉદઘાટન પ્રસંગે જાહેરમાં જોવા મળ્યા હતા.
માત્ર 5000 રૂપિયાના મૂડીરોકાણથી શેરબજારમાં પ્રવેશ કરનાર બિગ બુલ ઝુનઝુનવાલા ગ્રૂપની નેટવર્થ રૂ. 46 હજાર કરોડ છે. તેઓ રેર એન્ટરપ્રાઇઝના બેનર તળે શેરબજારમાં મૂડીરોકાણ કરતા હતા. ફોર્બ્સ-2021ની યાદીમાં તેઓ દેશના 36મા સૌથી ધનવાન વ્યક્તિ છે. જોકે, તેમનું જીવન અત્યંત સાદગીભર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કરતા લખ્યું કે, ‘ઝુનઝુનવાલાએ આર્થિક વિશ્વમાં અમીટ છાપ છોડી છે. તેઓ જિંદાદિલ, હાજર જવાબી અને ઊંડી સમજ ધરાવતા હતા.’ ટાટા જૂથના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ કહ્યું કે, ‘તેમને શેરબજારની ઊંડી સમજની સાથે ખુશમિજાજ વ્યક્તિત્વ, દયાળુતા, દૂરંદેશિતા માટે યાદ રખાશે.’

32 કંપનીમાં રૂ. 31,905 કરોડનું રોકાણ
ઝુનઝુનવાલાના પિતા પણ શેરબજારમાં રોકાણ કરતા. એટલે તેમને પણ શેરબજારમાં રસ પડ્યો. 1985માં 25 વર્ષની વયે રૂ. 5 હજાર ઉધાર લઈ તેમણે રોકાણ કર્યું હતું. ટ્રેન્ડલિન ડેટા પ્રમાણે, જૂન 2022માં ઝુનઝુનવાલાનું 32 શેરમાં રૂ. 31,905 કરોડનું રોકાણ હતું, જેમાં સૌથી મૂલ્યવાન રોકાણ ટાઈટનમાં છે. તેમાં રૂ. 11 હજાર કરોડની 5.05 ટકા હિસ્સેદારી છે. તેઓ એપ્ટેક (23.27 ટકા), સ્ટાર હેલ્થ (17.49 ટકા), મેટ્રો બ્રાન્ડ્સ (14.43 ટકા) અને નઝારા ટેક્નોલોજીસ (10.03 ટકા)માં પણ હિસ્સો ધરાવે છે.

કિફાયતી વિમાન સેવા અકાસા એર શરૂ કરી
ઝુનઝુનવાલાએ જેટ એરવેઝના પૂર્વ સીઈઓ વિનય દૂબે અને ઈન્ડિગો એરલાઈન્સના પૂર્વ પ્રમુખ આદિત્ય ઘોષ સાથે કિફાયતી વિમાન સેવા કંપની ‘અકાસા એર’ શરૂ કરી હતી. આ મહિનાની સાતમી તારીખે મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ શરૂ કરાઈ હતી. સીઈઓ દૂબેએ કહ્યું કે, ‘કંપની ઝુનઝુનવાલાનો વારસો, મૂલ્યો અને વિશ્વાસનું સન્માન કરશે. અકાસા એરની કંપની એસએનવી એવિયેશનમાં ઝુનઝુનવાલાનો હિસ્સો 40 ટકા જ્યારે ઘોષનો હિસ્સો 10 ટકા છે.’ અકાસાએ 72 બોઈંગ અને 737 મેક્સ પ્લેનનો પણ ઓર્ડર આપ્યો છે.
‘સ્ટોક માર્કેટનું કોઇ કિંગ નથી’
આશરે છ મહિના પહેલાની વાત છે. દિલ્હીમાં ધ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીનો કાર્યક્રમ હતો. દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા એક ફિલોસોફરના અંદાજમાં ભવિષ્યવાણીની થિયરી સમજાવી રહ્યા હતા. ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, ‘મોસમ, મૃત્યુ, માર્કેટ અને મહિલા વિશે કોઈ ભવિષ્યવાણી કરી જ ના શકે. ક્યારે મોસમ બદલાઈ જાય, ક્યારે મોત થઈ જાય અને ક્યારે માર્કેટની ચાલ બદલાઈ જાય, એ કોઈ ના કહી શકે. સ્ટોક માર્કેટનું કોઈ કિંગ નથી હોતું, જે પોતાને કિંગ સમજતા હતા તેઓ આર્થર રોડ જેલ પહોંચી ગયા છે. માર્કેટ એક મહિલા જેવું છે. હંમેશા પ્રભાવશાળી, રહસ્યમય, અનિશ્ચિત અને નાજુક. તમે ક્યારેય કોઈ મહિલા પર વર્ચસ્વ ના રાખી શકો અને એવી જ રીતે, તમે ક્યારેય માર્કેટ પર હાવી નથી રહી શકતા.’

ગુરુમંત્રઃ હંમેશા બિઝનેસમાં રોકાણ કરો, કંપનીમાં નહીં
• હું માર્કેટની ભવિષ્યવાણી કરું છું. તે સાચી પડે તો ખુશ થાઉં છું. ખોટી પડે તો શીખું છું. ભૂલોની સૌથી મોટી કિંમત તેમાંથી શીખીએ નહીં તે છે.
• પોતે જ કમાઈને રોકાણ કરો. પિતા કે સસરાના પૈસાથી બજારમાં રોકાણ ના કરો. હંમેશા કોઈ બિઝનેસમાં રોકાણ કરો, કંપનીમાં નહીં.
• પત્નીની જેમ માર્કેટ હંમેશા સાચું જ હોય છે. પત્ની સાથે ચર્ચા થઈ શકે, માર્કેટ સાથે નહીં. જો કોઈ શંકા હોય તો હૃદયનો અવાજ સાંભળો.
• હંમેશા થોડા પૈસા હાથ પર રાખો, જેથી તક મળે ત્યારે તમે તે વાપરી શકો.
• મેં જીવનમાં ક્યારેય એવા શેરમાં પૈસા નથી રોક્યા, જે બહુ જ પ્રસિદ્ધ છે. જે શેર લોકપ્રિય ના હોય, તેમાં જ રોકાણ કરવું મને ગમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter