યાકુબની ફાંસીનો બદલો લઈશઃ ટાઈગર મેમણ

Friday 07th August 2015 06:59 EDT
 
 

મુંબઈઃ મુંબઈને ધણધણાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી અને ગયા સપ્તાહે જ ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા યાકુબ મેમણના ભાઈ ટાઈગર ઉર્ફે મુસ્તાક મેમણે તેના પરિવારજનો સાથેની વાતચીતમાં એવો હુંકાર કર્યો હતો કે યાકુબની ફાંસીનો બદલો અવશ્ય લઇશ. ટાઇગરે તેની માતા હનીફાને કહ્યું હતું કે ‘મૈં ઉનકો ચુકવાઉંગા...’
ટાઇગર મેમણે ભાઇ યાકુબની ફાંસીના દિવસે ૩૦મી જુલાઈએ સવારે તેના મુંબઇ સ્થિત પરિવારજનોને કરેલા ફોન દરમિયાન આ વાત કરી હતી. ટાઇગરની આ ધમકી બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. ૨૨ વર્ષ પછી પોલીસે ટાઈગરનો ફોન આંતર્યો છે. યાકુબની ફાંસીનો બદલો લેવાની તેમણે ધમકી આપતાં સુરક્ષા તંત્ર ચોંક્યું છે.
અંગ્રેજી દૈનિક ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ અનુસાર, ટાઈગર મેમણે તેના નાના ભાઈ યાકુબની ફાંસીના દોઢ કલાક પહેલાં મુંબઇ સ્થિત નિવાસસ્થાને લેન્ડ લાઈન ફોન પર વાત કરી હતી. મેમણ પરિવારના લેન્ડલાઈન નંબરને ટ્રેક કરી રહેલી મુંબઈ પોલીસે ટાઈગર અને તેની માતા વચ્ચે ૩૦મી જુલાઈએ વહેલી સવારે થયેલી વાતચીત રેકોર્ડ કરી છે. આ વાતચીતની ટ્રાન્સસ્ક્રિપ પોતાની પાસે હોવાનો દાવો ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ ગ્રૂપે કર્યો છે. આ અખબારના અહેવાલ અનુસાર, વાતચીત દરમિયાન ટાઈગરે યાકુબની ફાંસી અંગે દુઃખ વ્યક્ત કરવાને બદલે કહ્યું હતું કે તે યાકુબના મોતનો બદલો લેશે. મુંબઈ અને દિલ્હીની એજન્સીઓએ આ વાતચીતમાં અવાજ ટાઈગરનો જ હોવાનું સમર્થન કર્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ કોલ પરથી પોલીસને લાગે છે કે મેમણ ખાનદાનને ટાઈગર મેમણ વચ્ચે સતત સંપર્ક હશે અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને આઈએસઆઈના માણસો સાથે પણ લિંક હોઈ શકે છે. આ વાતચીત પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે યાકુબ અને ટાઈગર બંને બોમ્બે બ્લાસ્ટનું ષડયંત્ર સાથે મળીને જ રચ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારના ટોચના અધિકારીએ કહ્યું છે કે સંભવિત ત્રાસવાદી હુમલા સામે રાજ્ય સંપૂર્ણ સજ્જ છે. યાકુબની ફાંસી પહેલાં જ શંકા હતી કે કોઈ છમકલું થઈ શકે છે. આથી સતર્કતા રાખવામાં આવી હતી. આ ફોન આવ્યા બાદ જોખમ વધી ગયું છે. રાજ્યના કે દેશના અન્ય કોઈ ભાગમાં હુમલો થઈ શકે છે.
અલબત્ત, એડિશનલ ચીફ સેક્રેટરી કે. પી. બક્ષીએ આવી કોઈ ફોન કોલની આવી કોઇ વાતથી પોતે વાકેફ હોવાનો ઈનકાર કર્યો છે. યાકુબના વકીલે આ મામલે પણ કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.
મુંબઈ પોલીસના અધિકારીઓ કહે છે કે ટાઈગર વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) ફેસિલિટીનો ઉપયોગ કરીને ફોન કર્યો હશે. પરંતુ આઈપી એડ્રેસ ઓળખી શકાયું નથી કારણ કે એક આઈપી એડ્રેસથી બીજા એડ્રેસ પર સતત ફોન બાઉન્સ થયો હતો. કોલ માત્ર ત્રણ મિનિટ ચાલ્યો હતો. ટાઈગરે તેનું લોકેશન ઓળખાય નહીં તે માટે વહેલો ફોન કટ કરી નાંખ્યો હોય તેવું લાગ્યું હતું.

ટાઇગર અને પરિવારની વાતચીતના અંશો
૩૦ જુલાઇએ યાકુબને ફાંસી થવાને થોડી વાર હતી ત્યાં જ માહિમ સ્થિત અલ હુસૈની બિલ્ડિંગમાં વહેલી સવારે ૫-૩૫ વાગ્યે ફોન રણક્યો. બંને બાજુથી પરિચય ન થયો તે દર્શાવે છે કે બંને એકબીજાને ઓળખે છે અને તેમની વચ્ચે અવારનવાર વાતો પણ થતી હશે.
• ‘સલામ વલયકુમ’ કહીને ટાઈગરે અજાણી વ્યક્તિને કહ્યું કે ફોન તેની માતા હનીફાને આપ.
• હનીફા વાતચીત માટે ખચકાય છે, પણ ફોન ઉપાડનારી વ્યક્તિ તેને સમજાવે છે કે ‘ભાઈજાન’ સાથે વાત કરી લે.
• ટાઈગર વારંવાર તેની માને કહે છે કે યાકુબના મોતનો તે બદલો લેશે, તે કહે છે કે ‘મૈં ઉનકો ચૂકવાઉંગા...’
• હનીફાનો રડવાનો અવાજ સંભળાય છે અને ટાઈગરને હિંસા છોડી દેવાનું કહે છે. તે કહે છે કે ‘બસ હો ગયા, પહલે કે વજહ સે મેરા યાકુબ ગયા અબ ઔર નહીં મૈં દેખ સકતી.’
• હનીફાની આ સલાહ બહેરા કાને અથડાઈ અને ટાઈગર તો સતત બદલો લેવાની વાત કરતો રહ્યો.
• હનીફા તેના પરિવારની બીજી વ્યક્તિને ફોન આપી દે છે. ટાઈગર તેને કહે છે કે ‘પરિવારના આંસુ વ્યર્થ નહીં જાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter