નવી દિલ્હીઃ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોંબ વિસ્ફોટ કેસના મુખ્ય આરોપી પૈકીનો એક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતા છોટા શકીલે યાકુબ મેમણને અપાયેલી ફાંસી પર ડંફાસ મારતાં જણાવ્યું હતું કે ભારતે યાકુબની ફાંસીનાં દુષ્પરિણામો ભોગવવાં પડશે.
યાકુબની ફાંસીને લીગલ મર્ડર ગણાવતાં છોટા શકીલે આરોપ મૂક્યો હતો કે યાકુબને ભારત પરત ફરવા માટે આપેલાં લલચામણાં વચનો આપીને ભારત સરકારે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભારતના અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સાથેની વાતચીતમાં શકીલે જણાવ્યું કે ભારત સરકારના વિશ્વાસઘાતે દયાની ખાતરીના બદલામાં ભારત પરત ફરવા વિચારણા કરી રહેલા દાઉદ અને અન્ય ભાગેડુઓની ભારતવાપસીની આશા પર પાણી ફેરવી દીધું છે, જો તે સમયે દાઉદ ભારત પરત ફર્યો હોત તો તેનો પણ આવો જ અંજામ આવ્યો હોત. આ બાબત હવે સ્પષ્ટ થઈ છે.
દરમિયાન યાકુબની ફાંસી પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. ત્રિપુરાના ગવર્નર તથાગત રોયે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું કે યાકુબની દફનક્રિયામાં ભાગ લેનારાઓમાં ઘણા સંભવિત આતંકવાદી હોઇ શકે. તેમનાં નિવેદને વિવાદ સર્જ્યો હતો. શિવ સેનાએ યાકુબની ફાંસી અટકાવવાની માગ કરનારાં લોકો સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માગ કરી હતી.