નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ ઓક્ટોબરે ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ (આઇએએફએસ)ને સંબોધતાં જણાવ્યું હતું કે, યુએનએસસીમાં સુધારા માટે ભારત, આફ્રિકાએ એક અવાજે બોલવું આવશ્યક છે. યુએનએસસી સહિતની વૈશ્વિક સંસ્થાઓ બદલાતી દુનિયા સાથે તાલ નહીં મિલાવે તો અપ્રાસંગિક બની જશે.
યુએનએસસીમાં સુધારા માટે સાથે મળીને કામ કરવા ઉપરાંત ત્રાસવાદ સામે લડવા તેમ જ શાંતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર જારી રાખવા ભારત અને આફ્રિકન દેશોએ દિલ્હી ડેક્લેરેશન ૨૦૧૫ અને ઇન્ડિયા આફ્રિકા ફ્રેમવર્ક ફોર સ્ટ્રેટેજિક કોઓપરેશન પર સહી-સિક્કા કર્યા હતા. બન્ને દેશો દર પાંચ વર્ષે આઇએએફએસ યોજવા સંમત થયા હતા.
૧૦ બિલિયન ડોલરની લોન, ૬૦ કરોડ ડોલરની ગ્રાન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં ઘોષણા કરી હતી કે ભારત આફ્રિકા સંબંધો વધુ ગાઢ બનાવવા ભારત આગામી પાંચ વર્ષમાં આફ્રિકાને ૧૦ બિલિયન ડોલરની કન્સેશનલ ક્રેડિટ (સોફ્ટ લોન) ઓફર કરશે. આ ઉપરાંત ૬૦ કરોડ ડોલરની ગ્રાન્ટ સહાય પણ આપવામાં આવશે.
આ ગ્રાન્ટમાં ૧૦ કરોડ ડોલરનું ઈન્ડિયા આફ્રિકા ડેવલપમેન્ટ ફંડ, એક કરોડ ડોલરનું ઈન્ડિયા - આફ્રિકા હેલ્થ ફંડ અને આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૫૦,૦૦૦ સ્કોલરશિપ પણ સામેલ હશે.