નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે ઇ-ટુરિસ્ટ વિઝા માટે ઝડપથી આગળ વધી રહી છે. આના ભાગરૂપે હવે વધુ ૩૧ દેશોને આ સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ ૧૫ જુનથી વધુ સાત એરપોર્ટ પર આ સુવિધાનો લાભ લેવા માટે વિદેશી પ્રવાસીઓને મંજૂરી આપી છે. નવી યોજનાના કારણે જે દેશોના પ્રવાસીઓ આ સ્કીમનો લાભ લઇ શકશે તેમાં બ્રિટન, સ્પેન, નેધરલેન્ડ, પોર્ટુગલ, મલેશિયા, તાન્ઝાનિયા અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે.
જ્યારે જે સાત નવા એરપોર્ટ ઉમેરવામાં આવ્યા છે તેમાં જયપુર, અમૃતસર, ગયા, લખનૌ, ત્રિચિ, વારાણસી અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓને ઇ-ટુરિસ્ટ વિઝા મળી શકશે. વિદેશી પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઇને આ એરપોર્ટનો સમાવેશ થયો છે. ઇ-વિઝા સ્કીમ અત્યારે ૪૫ દેશોને આવરી લે છે તેમાં હવે બીજા દેશો ઉમેરાઇ રહ્યા છે. જુન સુધી આ સ્કીમના વિસ્તરણની સાથે આ યાદી હવે ૭૬ દેશોની થશે. જેમાં અર્મેનિયા, અરુબા, બેલ્જિયમ, કોલંબિયા, ક્યુબા, હંગેરી, આયરલેન્ડ, જમૈકા, માલ્ટા, મોંગોલિયા, મોઝામ્બિક, પનામા, પેરુ, પોલેન્ડ, સ્લોવેનિયા, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેટ, સુરિનામ, સ્વીડન, ઇસ્ટ ટિમોર, તુર્કસ આઇલેન્ડ, ઉરુગ્વે અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.