લંડનઃ યુકે દ્વારા નવી ‘હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ- HPI’ ગ્રેજ્યુએટ વિઝા યોજનામાં ભારતીય યુનિવર્સિટીઓ કે IITને સામેલ નહિ કરાવાથી ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ જાગ્યો છે. યુકેને ભારતીય પ્રતિભાઓની આવશ્યક્તા નહિ હોવાનું પણ આમાંથી ફલિત થાય છે જ્યારે યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો અગ્રસ્થાને છે.
બ્રેક્ઝિટ પછી સૌથી પ્રતિષ્ઠિત વિદેશી યુનિવર્સિટીઓના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સ્નાતકોને બ્રિટનમાં કામ કરવા માટે આકર્ષવા માટેની નવી ‘હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડયુઅલ (HPI)’ વિઝા યોજનામાં ભારતની તમામ યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવી હોવાથી બ્રિટન સામે દંભ આચરવાનો આક્ષેપ થયો છે.
ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન યુકે (INSAUK )ના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયમાં, ભારત યુકેની યુનિવર્સિટીઓને સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પૂરા પાડે છે, આથી, તેઓ આ યોજનાનો હિસ્સો ન હોવાની હકીકત તર્કહીન છે. પ્રોફેસરો અને R&D યુનિટ્સ IIT અથવા IIMના સ્નાતકોને મહત્ત્વ આપે છે. યુકેના સત્તાવાળાઓએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે દૂધાળી ગાય જેવો વ્યવહાર બંધ કરવાની જરૂર છે.’
ભારતીય વિદ્યાર્થી સંસ્થા NISAU UK ના ચેરપર્સન સનમ અરોરાએ જણાવ્યું હતું કે, ‘આ ટોચની 50 યુનિવર્સિટીમાંથી ભારતીય સ્નાતકો યુકેમાં રહી કામ કરી શકે છે તે ખૂબ જ સારી બાબત છે પરંતુ, આનાથી અભ્યાસ માટે યુકેની યુનિવર્સિટીઓના આકર્ષણને કેવી રીતે અસર થશે તે સમજાતું નથી.’
HPI વિઝાની લાયકાત માટે QS, ટાઇમ્સ હાયર એજ્યુકેશન અને એકેડેમિક રેન્કિંગ્સ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ દ્વારા વિશ્વની ટોચની 50 યુનિવર્સિટી તરીકે સ્થાન ધરાવતી સંસ્થાના ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ યોજના રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના કોઈના પણ માટે ખુલ્લી હોવા છતાં, લાયક યુનિવર્સિટીઓની સૂચિમાં આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયાની તમામ યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવી છે.
ઉદાહરણ તરીકે, તાજેતરની યાદીઓમાં હાર્વર્ડ અને યેલ સહિત મોટાભાગે યુએસસ્થિત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જ્યારે બાકીની ચીન, યુરોપ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, કેનેડા અને સિંગાપોરમાં છે. કોઈ પણ ભારતીય વિદ્યાર્થીને અરજી કરવા માટે લાયક ઠરવા માટે આમાંની કોઈ એક સંસ્થામાંથી લાયકાત (પછી તે ગ્રેજ્યુએટ, માસ્ટર્સ ડીગ્રી કે PhD) મેળવવી પડે તેમ છે.