નવી દિલ્હીઃ આમ તો સરકારી જાહેરાતોમાં વાંચવા મળતા સૂત્રો, વચનોમાં ભારોભાર અતિશયોક્તિ નજરે પડતી હોય છે, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિદ્ધિ માટે થયેલી જાહેરખબરો, પોસ્ટરોની વાત અલગ છે. આમાં એક સૂત્ર રજૂ થયું હતુંઃ યોગ સંસ્કૃતિ, વૈશ્વિક સ્વીકૃતિ. રવિવારે આ સૂત્ર વિશ્વભરમાં સાકાર થતું જોવા મળ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલના કારણે શક્ય બનેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રવિવાર, ૨૧મી જૂનના રોજ ભારત સહિત વિશ્વભરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. ભારતમાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને ગુજરાતથી માંડીને ઇશાન ભારતના સેવન-સિસ્ટર્સ રાજ્યો સુધી કરોડો ભારતીયો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા.
વિશ્વ તખતે નજર ફેરવીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટરથી માંડીને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ફ્રાન્સ, સિંગાપોર, અફઘાનિસ્તાન સહિત ૮૪ દેશોમાં પણ લોકો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. આ દેશોમાં વસતા ભારતીયો અને સ્થાનિક પ્રજાજનોએ વિવિધ યોગાસનો કરીને યોગ દિવસ મનાવ્યો હતો. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને વિશ્વભરમાંથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદને યુએને પણ બિરદાવ્યો છે.
પાટનગરના ઐતિહાસિક રાજપથ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં ૩૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લઇ વિક્રમ સર્જ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ જૂન, ૨૦૧૫ના દિવસને શાંતિ અને શુભેચ્છાના નવા યુગનો પ્રારંભ ગણાવ્યો હતો. વડા પ્રધાને યોગદિવસની સ્મૃતિમાં રૂ. પાંચની પોસ્ટલ સ્ટેમ્પ અને રૂ. ૧૦ તથા રૂ. ૧૦૦ના ચલણી સિક્કા જારી કર્યા હતા. રવિવારે આયોજિત કાર્યક્રમોને ગિનિસ બુકમાં બે વિક્રમ તરીકે સ્થાન મળ્યું છે.
નરેન્દ્ર મોદીના યોગાસન
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજધાનીમાં વિજય ચોક નજીકના રફી માર્ગ ક્રોસિંગથી ઇન્ડિયા ગેટ સુધીનો બે કિલોમીટરનો પટ્ટો ગ્રીન કાર્પેટ્સ પર લાલ અને વાદળી રંગોની મેટ પર યોગાસનો કરતા તમામ વયજૂથના યોગપ્રેમીઓથી છવાઇ ગયો હતો. જેમાં રાજદ્વારીઓ, સૈન્યના જવાનો, વિદ્યાર્થીઓ વગેરે સામેલ હતા. વડા પ્રધાન મોદી ઇવેન્ટને માત્ર સંબોધન જ કરવાના હતા, પરંતુ પોતાનું ભાષણ પૂરું થયા બાદ સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ મંચ પરથી નીચે ઉતરીને બધાની સાથે યોગાસનો કરવા પહોંચી ગયા હતા. ૩૫ મિનિટની ઇવેન્ટમાં ૬૪ વર્ષના નરેન્દ્ર મોદીએ વિવિધ યોગાસનો કર્યા હતા.
ઇવેન્ટમાં કુલ ૨૧ આસનો કરાવાયા હતા, જેમાંથી મોદીએ પાદ-હસ્તાસન, અર્ધ-ચક્રાસન, ત્રિકોણાસન, દંડાસન, અર્ધ-ઉષ્ટ્રાસન, વજ્રાસન અને વક્રાસન સહિતના આસનો કર્યા હતા.
મેગા ઇવેન્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ, ઉપ-રાજ્યપાલ નજીબ જંગ, ભારત ખાતેના અમેરિકી રાજદૂત રિચાર્ડ વર્મા તથા મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર હતા.
રાજપથ બન્યો યોગપથ
વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ૨૧ જૂનને યોગ દિવસ જાહેર કરવા બદલ યુએનનો અને આ પ્રસ્તાવને ટેકો આપવા બદલ ૪૭ મુસ્લિમ દેશો સહિત તમામ ૧૭૭ દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજપથ યોગપથ બની જશે તેવું કોઇએ વિચાર્યું પણ હશે ખરું? જોકે, યોગને કમાણીનું સાધન બનાવવાનું ટાળવા જણાવી તેમણે કહ્યું હતું કે યોગને કોમોડિટી (વેપારની જણસ) બનાવવાથી તેને સૌથી વધુ નુકસાન થશે. આપણને એવું સાંભળવા મળે કે ‘માત્ર મારા યોગ જ સાચા છે અને બીજા બધાના યોગ ફાલતુ છે અને નાણાનો વેડફાટ છે’ એવો સમય ક્યારેય ન આવવો જોઇએ. યોગ એ વ્યાપાર કે વ્યવસ્થા નહીં, પણ અવસ્થા છે.
ઉલ્લેખનીય છે કે મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએન મહાસભાને કરેલા તેમના પહેલા સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુએનના ૧૯૩માંથી ૧૭૭ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ પછી યુએને ગયા ડિસેમ્બરમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો.
બે વિશ્વ વિક્રમ
દિલ્હીમાં રાજપથ ખાતે યોગ દિવસની ઉજવણીએ બે વિશ્વ વિક્રમ સર્જ્યા છે. પહેલો વિક્રમ એક જ સ્થળે સૌથી વધુ - ૩૫,૯૮૫ લોકોએ યોગ કર્યાનો છે. જ્યારે બીજો વિક્રમ સૌથી વધુ - ૮૪ દેશના લોકોએ એકસાથે યોગ કર્યાનો છે. આ ઇવેન્ટને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિએ ‘અભૂતપૂર્વ’ ઘટના ગણાવીને કહ્યું હતું કે ટિકિટો અને વીડિયો રેકોર્ડિંગ્સ સહિતના માપદંડોની સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે.
કાશ્મીરથી કન્યાકુમારી
દેશના વિવિધ રાજ્યોમાં નામાંકિત હસ્તીઓ અને સામાન્ય લોકો સાથે મળી યોગાસનો કર્યા હતાં. ભાજપશાસિત રાજ્યોમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. ગુજરાત રાજ્ય શાળામાં નિયમિત યોગાસનો કરાવવાનું આયોજન કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ યોગના નિયમિત કાર્યક્રમો યોજવા ૨૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે. યોગમાં દેશભરમાં ૧૧ લાખ એનસીસી કેડેટ જોડાયા હતા. ભારતીય સશસ્ત્ર દળોએ સિયાચીનથી માંડીને દક્ષિણ ચીન સમુદ્ર સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. સેનાની ત્રણેય પાંખના વડાઓ પણ રાજપથ ખાતે યોગમાં જોડાયા હતા.
યુએન સહિત વિશ્વમાં ઉજવણી
વડા પ્રધાન મોદીના સંદેશા સાથે યુએન હેડ ક્વાર્ટરમાં યોગ ડે કાર્યક્રમ શરૂ થયો હતો. સંદેશામાં મોદીએ જણાવ્યું હતું કે ‘યોગને સમર્થન આપવા માટે આભાર... દુનિયા તણાવના સંકટમાંથી પસાર થઇ રહી છે. યોગ તણાવ ઘટાડી શકે છે.’ આ કાર્યક્રમમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ યોગનો કાર્યક્રમ યોજાયો હતો.
યોગ દિવસની ઉજવણી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ફ્રાન્સ અને સિંગાપોર સહિત વિવિધ દેશોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઇ હતી.
યુએનથી માંડીને પેરિસના એફિલ ટાવર, કોલંબોના દરિયાકિનારા, હેરાતના દૂતાવાસ પરિસર, કમ્બોડિયાના ઐતિહાસિક અંગકોરવાટ અને તા ફ્રોહમ મંદિરોનાં પ્રાંગણ, પશ્ચિમી દેશો, ૪૭ ઇસ્લામિક દેશો અને સુદૂર પૂર્વના તાઇવાન અને જાપાન સહિતના દેશોમાં વિશ્વ યોગ દિવસ મનાવવા લાખો લોકોએ સામૂહિક આસન કર્યાં હતાં. આ ઉજવણીમાં યુએનના કુલ ૧૯૩ સભ્ય દેશોમાંથી ૧૭૭ દેશો કો-સ્પોન્સર હતા, જે એક વિક્રમ છે.
બ્રિટનમાં યોગ દિવસનો મુખ્ય ઇવેન્ટ લંડનમાં થેમ્સ નદીના કાંઠે બર્ની સ્પેન ગાર્ડનમાં યોજાયો હતો. આ પ્રસંગે વડા પ્રધાન ડેવિડ કેમરને એક સંદેશામાં જણાવ્યું હતું કે, ‘બ્રિટન સહિત વિશ્વભરમાં જે ઉત્સાહ સાથે યોગ દિવસ ઉજવાયો તેનો અમને આનંદ છે. ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના વડા પ્રધાન મોદીના પ્રસ્તાવનું સમર્થન કરનારા ૧૭૭ દેશોમાં અમે પણ સામેલ હતા.’
સોનિયા, રાહુલ વિદેશમાં
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું સમર્થન તો કોંગ્રેસે કર્યું હતું, પરંતુ પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા હતા. અહેવાલ અનુસાર, સરકારે તેમને પણ રાજપથ પર યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મોકલ્યું હતું. આ પૂર્વે કોંગ્રેસે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ યોગ કરતા હોય તેવી તસવીર ધરાવતી જાહેરખબર આપી હતી. સાથે સાથે આક્ષેપ પણ કર્યો કે વડા પ્રધાન મોદી અને ભાજપ યોગનો ઉપયોગ વ્યક્તિગત પ્રચાર અને રાજકીય લાભ માટે કરી રહ્યા છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, નરસિંહરાવ સહિત કોંગ્રેસના અનેક મોટા નેતા યોગ કરતા હતા, પરંતુ કોઈએ તેનો ઢોલ નહોતો પીટ્યો.
ચીની ચટાઈ ને મેક ઇન ઇન્ડિયા
યોગના આયોજન વેળા અનોખો વિવાદ છેડાયો હતો. ભારત સરકારે રાજપથ પર યોજાનારા કાર્યક્રમ માટે ૩૭,૫૦૦ ચટાઈ ખરીદી હતી, જે ચીની બનાવટની હતી. આ મુદ્દે કોંગ્રેસ, ‘આપ’ સહિતના વિરોધ પક્ષે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ‘મેક ઇન ઇન્ડિયા’નું સૂત્ર કયાં ગયું? યોગ વખતે તો સ્વદેશી બનાવટનો ઉપયોગ કરવો હતો. આના જવાબમાં ભાજપના પ્રવક્તાએ કહ્યું કે સૌથી ઓછી બોલી બોલનાર વ્યક્તિને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. તે ચીની બનાવટની ચટાઈ લઈને આવ્યો તો સરકાર શું કરે?