યોગ ૫,૦૦૦ વર્ષ પુરાણો કે પછી ૧૦,૦૦૦ વર્ષ?
યોગના ઇતિહાસ અંગે બે પ્રકારના દાવા થઈ રહ્યા છે. કોઈ કહે છે કે તે ૫,૦૦૦ વર્ષ જૂનો છે, તો વળી કોઈનો દાવો છે કે યોગ એ ૧૦,૦૦૦ વર્ષ જૂનો છે. યોગનો પ્રારંભ ભારતમાં પાંચ હજાર વર્ષ પહેલા ઉત્તર ભારતમાં થયો હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. જેમ કે, યોગ શબ્દ સૌપ્રથમ જો કોઈ લેખિત સ્વરૂપે જોવા મળ્યો હોત તો તે હિંદુઓના ધાર્મિક ગ્રંથ ઋગ્વેદમાં છે. બ્રાહ્મણો અને ઋષિમુનિ આ ધાર્મિક ગ્રંથને બહુ માનતા હતા અને તેમના દ્વારા યોગનો ફેલાવો શરૂ થયો હોવાનું મનાય છે. બાદમાં યોગે ઉપનિષદ્ અને ભગવદ્ ગીતામાં પણ સ્થાન મેળવ્યું. એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે યોગનો પુરાવો લગભગ ઇ.સ. પૂર્વે ૩૦૦૦ના સમયગાળામાં કેટલાક શિલાલેખમાં મળી આવ્યા હતા, જે યોગમુદ્રામાં હતા. આમ યોગ એ ઓછામાં ઓછો પાંચ હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે, પરંતુ તે તેનાથી પણ વધુ જૂનો હોઈ શકે છે.
• ઈ.સ. પૂર્વે ૩,૦૦૦ યોગના પહેલા પુરાવા સિંધુ ઘાટીમાં મળ્યા
• ઇ.સ. પૂર્વે ૨૦૦ પતંજલિ દ્વારા યોગના આઠ સૂત્રો લખાયા
• ઈ.સ. પૂર્વે ૧૨૦૦ વેદોમાં યોગમનો ઉલ્લેખ મળ્યો
• ઈ.સ. ૧,૧૦૦ હઠયોગની શરૂઆત થઈ
• ઈ.સ. પૂર્વે ૬૦૦ યોગને યોગ્ય વ્યાખ્યા અપાઈ
• ઈ.સ. પૂર્વે ૫૦૦ ભગવદ્ ગીતામાં યોગનું મહત્ત્વ સમજાવાયું
• ઈ.સ. ૧૭૮૫ પહેલી વખત ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ થયો
• ઈ.સ. ૧૮૪૦ યોગનાં ૧૨૧ આસન પુસ્તકરૂપે પ્રકાશિત થયાં.
યોગની યાત્રાઃ પૌરાણિક યુગથી આધુનિક યુગ
• યોગ પૌરાણિક છેઃ યોગ એ આજકાલની નહીં, પણ અંદાજે ૫૦૦૦ વર્ષ જૂની બાબત હોવાનું અનુમાન છે. ઋષિકેશમાં યોગના કેટલાક ઐતિહાસિક પુરાવા છે. જેમ કે, અહીં વશિષ્ઠની ગુફા આવેલી છે. વશિષ્ઠ અહીં વર્ષો સુધી રહ્યા હતા, તેઓ ભગવાન રામના ગુરુ છે.
• યોગ વિજ્ઞાન છેઃ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર ફિલોસોફી એન્ડ એલાઈડ સાયન્સિસ (‘ડીપાસ’)ના ડાયરેક્ટર ડો. શશી બાલા સિંહ જણાવે છે કે અમે ડિફેન્સમાં યોગને અપનાવીએ છીએ, કેમ કે યોગની પાછળ વિજ્ઞાન રહેલું છે. જોકે આ અંગે હજુ ઘણા સંશોધન પણ ચાલી રહ્યા છે.
• પશ્ચિમી દેશોમાં પ્રચારઃ પશ્ચિમી દેશોમાં યોગ અંગે પ્રચાર-પ્રસાર વધ્યો, જેના કારણે યોગનું મહત્ત્વ પૂરા વિશ્વમાં ફેલાયું. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં યોજાયેલી ધર્મ કોન્ફરન્સમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમણે યોગનો ઉલ્લેખ કર્યો હતો.
• યોગ પર ફિલ્મઃ ‘ધ લાઇફ ઓફ યોગાનંદા’ નામની એક હોલિવૂડ ફિલ્મ આવી. આ ફિલ્મ યોગગુરુ યોગાનંદ પર ફિલ્મ બની હતી. આ ઉપરાંત હોલિવૂડમાં યોગ સ્ટુડિયો પણ છે. મેડોના, શિલ્પા શેટ્ટી તેમ જ અનેક હોલિવૂડ અને બોલિવૂડ કલાકારો પણ નિયમિત યોગ કરે છે.
• આધુનિક જીવનશૈલીઃ આધુનિક જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું, જેને પગલે તેઓ યોગ તરફ આગળ વધ્યા. ખાસ કરીને લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું અને શાંતિની ખોજમાં યોગનો સહારો લીધો. લોકોમાં હતાશા વધી, જેનાથી તેઓ ખુશ રહેવા યોગ તરફ આગળ વધ્યા.
• આયંગર દ્વારા વિશ્વમાં ફેલાવોઃ ભારતમાં જન્મેલા અને વિશ્વમાં યોગ ગુરુ તરીકે પ્રચલિત બી. કે. એસ. આયંગરે લગભગ ૭૦ જેટલા દેશોમાં યોગ કેન્દ્ર ખોલ્યા છે. આયંગરનું ગત વર્ષે નિધન થયું. તેમણે અનેક પુસ્તકો પણ યોગ પર લખ્યા અને યોગનો પ્રસાર-પ્રચાર કર્યો હતો. વિશ્વભરમાં યોગનો ફેલાવો કરવામાં મહત્ત્વનું યોગદાન છે.
નિયમિત યોગ કરવાના લાભ
• યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કોઈ પણ વર્ગ કરી શકે છે.
• યોગનાં વિવિધ આસનો દ્વારા શરીરની માંસપેશીઓને ખેંચવા અને વાળવાની પ્રક્રિયાઓ થાય છે, જેનાથી શરીર સ્ફૂર્તિ અનુભવે છે તો સાથોસાથ તે માનસિક તણાવ પણ દૂર કરે છે.
• યોગ કરવાથી શરીરનો થાક ઊતરી જાય છે અને વેડફાયેલી શક્તિ પરત મળી જાય છે.
• યોગાસનથી શરીરની અંદર રહેલી શક્તિઓ જાગ્રત થાય છે. તે માણસની યુવાવસ્થા જાળવી રાખવામાં મદદ કરે છે.
• યોગથી શરીરની પાચનક્રિયામાં ફેર પડે છે. પાચનશક્તિમાં સુધારો થાય છે.
• યોગાસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને નાડીશક્તિનો વ્યય થતો અટકાવે છે.
• યોગથી દુર્બળ માંસપેશીઓ મજબૂત બને છે અને નાદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત બને છે.
• યોગાસનથી સ્ત્રીઓની સુંદરતા વધે છે, સુડોળ શારીરિક વિકાસ થાય છે.
• યોગાસનથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને નિર્ણયશક્તિમાં વધારો થાય છે.
• યોગથી મન અને શરીર સ્થિર થાય છે. નવી ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે.
• યોગનાં આસનોથી આંખની તકલીફો મટી શકે છે. રોગના વિકારો દૂર થાય છે.
• યોગથી શરીરના પ્રત્યેક અંગને કસરત મળે છે, જેનાથી શરીર હૃષ્ટપુષ્ટ બને છે.