જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા રંગભેદ સામેના લડવૈયા અને મહાત્મા ગાંધીનાં પૌત્રી અને સામાજિક કાર્યકર ઈલા ગાંધીના પતિ રામગોવિંદનું લાંબી બીમારીને અંતે ૮૩ વર્ષની વયે અવસાન થયું છે. રામગોવિંદ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના વડા હતા. તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સામે થઈ રહેલા ભેદભાવ સામે લડત આપી હતી. સોમવારે કેપટાઉનમાં હોસ્પિટલ ખાતે તેમનું અવસાન થયું હતું. પરિવારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ૮મી ઓક્ટોબરથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
રામગોવિંદે વર્ષ ૨૦૦૯ સુધી સંસદમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસના સભ્યપદે પ્રતિનિધિત્વ કર્યું હતું. મંડેલાને મુક્ત કરવા માટેની ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો. ૧૯૮૫માં તેમની સામે રાજદ્રોહના આરોપ મૂકવામાં આવ્યા હતા. દંપતી ફિનિક્સ સેટલેન્ટ ટ્રસ્ટમાં કાર્યરત હતું. દક્ષિણ આફ્રિકાનાં પોતાનાં રોકાણ દરમિયાન ૧૯૦૪માં મહાત્મા ગાંધીએ તે ટ્રસ્ટની સ્થાપના કરી હતી.