નવી દિલ્હીઃ ભારતની અગ્રણી સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી રાકેશ ઝુનઝુનવાલાના 46,000 કરોડ રૂપિયાના જંગી મૂડીરોકાણના મુખ્ય ટ્રસ્ટી તરીકે કામગીરી કરશે. સદ્ગત ઝુનઝુનવાલા દામાણીને પોતાના સૌથી ભરોસાપાત્ર મિત્ર અને ગુરુ માનતા હતા તે ઉલ્લેખનીય છે. ઝુનઝુનવાલાના પત્ની રેખા પણ રેયરના મેનેજમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમ માનવામાં આવે છે.
આ ટ્રસ્ટમાં દામાણી ઉપરાંત ઝુનઝુનવાલાના બે સૌથી ભરોસાપાત્ર સાથીદારો કલ્પરાજ ધરમશી અને અમલ પરીખ પણ સામેલ છે. અલબત્ત રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેર એન્ટરપ્રાઇઝીસનું મેનેજમેન્ટ તેના બે ભાગીદારો ઉત્પલ શેઠ અને અમિત ગોયલ જ કરતા રહેશે. ઉત્પલ ઇન્વેસ્ટમેન્ટમાં તેઓ ઝુનઝુનવાલાની મદદ કરતા હતા. પાછલા કેટલાક વર્ષોથી તેમનું ફોકસ પ્રાઇવેટ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર રહ્યું છે. ઉત્પલ શેઠ જ ટ્રેડિંગમાં ઝુનઝુનવાલાના જમણા હાથ હતા. અમિત તેમની ફર્મની ટ્રેડિંગ બુકનું મેનેજમેન્ટ કરે છે.
અહેવાલો અનુસાર ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા માટે જ્વેલરી રિટેલર ટાઇટન કંપનીમાં મૂડીરોકાણ ખૂબ જ લાભદાયક સાબિત થયું છે. હાલમાં રાકેશ ઝુનઝુનવાલાના કુલ પોર્ટફોલિયોમાં એક તૃતિયાંશ જેટલો હિસ્સો ટાઇટનનો છે. માર્કેટ વેલ્યૂના આધાર પર જોઇએ તો ઝુનઝુનવાલાના ટોપ હોલ્ડિંગ્સમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની, ફૂટવેર મેકર મેટ્રો અને ઓટોમેકર તાતા મોટર્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
અગાઉથી જ વિલ તૈયાર
અહેવાલો અનુસાર ગત 14 ઓગસ્ટના રોજ બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન થયું છે. ઝુનઝુનવાલાએ પોતાના મૃત્યુ અગાઉ પહેલેથી જ બેર્જીસ દેસાઇ પાસે પોતાનું વસિયતનામું તૈયાર કરાવીને પોતાની સંપત્તિ અંગે સંપૂર્ણ આયોજન કરી દીધું હતું.