છેલ્લા ચાર દસકાથી ચાલતી અને દુનિયાભરના પર્યટનપ્રેમીઓમાં આગવી નામના ધરાવતી રાજસ્થાનની લક્ઝરી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સનાં પૈડાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે થંભી ગયા હતા. જોકે હવે લાંબા ઇંતેઝાર બાદ શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુર સ્ટેશનેથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. 40 વર્ષથી ચાલતી આ ટ્રેનની એક ટ્રિપ સાત દિવસ અને આઠ રાતની હોય છે. આ શાહી ટ્રેન સાત દિવસના પ્રવાસમાં દિલ્હી અને આગ્રા ઉપરાંત રાજસ્થાનના જયપુર, જોધપુર, ઉદયપુર, ચિત્તોડગઢ, જેસલમેર અને ભરતપુરને આવરી લે છે. પેલેસ ઓન વ્હીલ્સના પ્રવાસીઓને રણથંભોર નેશનલ પાર્ક અને ભરતપુર બર્ડ સેન્ક્ચુઅરીની મુલાકાતે પણ લઈ જવાય છે. આ ટ્રેનના કોચ ફાઈવ સ્ટાર હોટેલના રૂમની સાધનસુવિધાને પણ ટક્કર મારે તેવા આલિશાન હોય છે. આ ઉપરાંત ટ્રેન સ્પા, સલૂન, જિમ, બે રેસ્ટોરાં અને બારની પણ સુવિધા ધરાવે છે.