રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રાજીવ ગાંધીને વડાં પ્રધાન બનાવવાની રજૂઆત કરી ત્યારે રાજીવે પ્રણવ મુખરજીને પૂછયું હતું કે, શું તેઓ પીએમ પદની જવાબદારી સંભાળી શકશે?
તેમણે પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે, રાજીવ ગાંધીની કેબિનેટમાંથી મને પડતો મૂકવામાં આવ્યો ત્યારે મને ખરેખર આંચકો લાગ્યો હતો. આ પુસ્તકમાં ૧૯૮૦થી ૧૯૮૪ દરમિયાન ઇન્દિરા ગાંધીનાં શાસનનો ઉલ્લેખ કરાયો છે, જેમાં પંજાબ કટોકટી વિશે રાષ્ટ્રતિએ લખ્યું છે કે, શીખો સાથે વાતચીત નિષ્ફળ ગઈ અને છેવટે હિંસક આંદોલનની પરિસ્થિતિમાંથી ઉકેલ લાવવા રાજકીય બાબતો પર કેબિનેટ કમિટીની બેઠક થઈ હતી. છેવટનો વિકલ્પ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ હતો. ઇન્દિરા ગાંધીએ આ દરમિયાન વારંવાર મને કહ્યું હતું કે, ‘પ્રણવ, મને આવનારા પરિણામોનો સંપૂર્ણ ખ્યાલ છે.’
બાબરી મસ્જિદ ધ્વંસ નરસિંહ રાવની સૌથી મોટી નિષ્ફળતા
પ્રણવ મુખરજીએ આ પુસ્તકમાં બાબરી વિધ્વંસ વિશે પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આ પુસ્તકમાં લખ્યું છે કે, બાબરી મસ્જિદના વિનાશને રોકી ન શકાયો તે તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવની સૌથી મોટી નિષ્ફળતા હતી. બાબરી વિધ્વંસથી ભારત અને અન્ય દેશોના મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચી છે.
પુસ્તકમાં જણાવ્યા મુજબ, ‘૬ ડિસેમ્બર, ૧૯૯૨માં તેઓ મુંબઈમાં હતા અને ત્યારે જયરામ રમેશે લંચ સમયે મને ફોન કરીને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવમાં આવી છે. હું આ અંગે વિશ્વાસ કરી શકતો નહોતો. નરસિંહ રાવે આ મુશ્કેલ ટાસ્ક અંગે અન્ય રાજકીય પાર્ટીઓ સાથે વાતચીત કરવી જોઈતી હતી.’