નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ ૫૭ બેઠકો માટે આગામી ૧૧ જૂને ચૂંટણી થશે. આ બેઠકોમાં વિજય માલ્યાના રાજીનામાથી ખાલી પડેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. દેશના જુદા જુદા ૧૫ રાજ્યોના ૫૫ સભ્યો જૂનથી ઓગસ્ટની વચ્ચે નિવૃત્ત થઇ રહ્યા છે. ૫૭માંથી ૧૪-૧૪ બેઠકો તો ભાજપ અને કોંગ્રેસની છે. છ સભ્યો બહુજન સમાજ પાર્ટી (બસપા)ના છે, પાંચ સભ્યો જનતા દળ (યુનાઇટેડ), ત્રણ-ત્રણ સભ્યો સમાજવાદી પાર્ટી (સપા), બીજુ જનતા દળ (બીજેડી) અને એઆઇએડીએમકેના છે. આ જ રીતે ડીએમકે, એનસીપી અને ટીડીપીના બે-બે સભ્યોનો સમાવેશ થાય છે તો એક સભ્ય શિવ સેનાના છે.
વિજય માલ્યા સ્વતંત્ર સભ્ય હતા. જે અગ્રણી પ્રધાનો નિવૃત્ત થઇ રહ્યા છે તેમાં એમ વેન્કૈયા નાયડુ, બિરેન્દર સિંહ, સુરેશ પ્રભુ, નિર્મલા સીતારામન્, પિયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, પૂર્વ પ્રધાન જયરામ રમેશ, જનતા દળ (યુ)ના નેતા શરદ યાદવ અને વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીનો સમાવેશ થાય છે. સૌથી વધુ ૧૧ સભ્યો ઉત્તર પ્રદેશમાં નિવૃત્ત થઇ રહ્યા છે.