ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં રોહતક જિલ્લામાં કૈથોલામાં આવેલા રામપાલના આશ્રમમાં થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું તથા અન્ય કેટલાક ઘાયલ થયા હતા. કેસમાં કોર્ટના વારંવારના વોરંટ છતાં રામપાલ હાજર થતો નહોતો.
હિસ્સારસ્થિત સતલોક આશ્રમનાં ભોંયરામાંથી ઝડપાયેલા રામપાલને ગુરુવારે પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં રજૂ કરાતાં તેને ૨૮મી નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. સુનાવણી દરમિયાન કોર્ટે રામપાલની સંપત્તિની વિગતો માગી હતી. કોર્ટે પોલીસ કાર્યવાહીને બિરદાવતાં કહ્યું હતું કે ખૂબ ઓછા નુકસાનમાં તમે આ ઓપરેશન પાર પાડયું છે, પરંતુ આ સાથે કરેલી બીજી એક ટિપ્પણી બહુ સૂચક છે. કોર્ટે કહ્યું હતુંઃ સરકારે આવા ડેરાઓ અને આશ્રમો પર લગામ કસવી જોઈએ.
પોલીસ તંત્રના જ નહીં, કોર્ટના આદેશની પણ અવગણના કરનાર સંત રામપાલ, આશ્રમ પ્રબંધક કમિટી અને અનુયાયીઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિત અન્ય ૧૯ કલમો અંતર્ગત કેસ દાખલ કરાયા છે. તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાઇત ષડ્યંત્ર, ગેરકાયદે લોકોને બંધક બનાવવાં, રમખાણો સહિત આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. જો રામપાલ વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ સિદ્ધ થયો તો તેને ફાંસી કે આજીવન કેદની સજા થઇ શકે છે. રામપાલ વિરુદ્ધના તમામ મામલે હવે વિશેષ ટીમ તપાસ કરશે. અલબત્ત, રામપાલે દાવો કર્યો છે કે હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.
‘ભોગેગા અપના કિયા રે’
આને યોગાનુયોગ જ કહી શકાય. પોલીસ ટીમ રામપાલની ધરપકડ કરવા પહોંચી ત્યારે તે પલંગ પર પુસ્તક વાંચી રહ્યો હતો. પુસ્તકનું નામ હતું - ‘ભોગેગા અપના કિયા રે’. આ પુસ્તકના લેખક ખુદ રામપાલ છે. આશ્રમના સર્ચ દરમિયાન ડીઝલ, તેજાબ અને કેમિકલથી ભરેલી ડોલો અને બોટલો મળી છે.
૬૩ વર્ષનો રામપાલ એક સમયે રાજ્ય સરકારમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન ગેરરીતિના કોઇ કેસમાં તેને બરતરફ કરાયો હતો. આ પછી તેણે ધર્મના નામે લોકોને ઉઠાં ભણાવવાનું શરૂ કર્યું હતું. આજે તે ૨૫ લાખથી વધુ અનુયાયીઓ ધરાવે છે. રામપાલ સામેની પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા હજારો અનુયાયીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા. આથી પોલીસને પણ કાર્યવાહી કરવામાં ભારે સંયમ દાખવવો પડ્યો હતો. બીજી તરફ, રામપાલ પણ જાણતો હતો કે પોલીસ કાર્યવાહીથી બચવા માટે આ જ શ્રેષ્ઠ માર્ગ છે. આથી જ તેણે આશ્રમમાં અનાજનો જંગી ભંડાર સંગ્રહી રાખ્યો હતો. જોકે પોલીસે આશ્રમમાં ભરાયેલા અનુયાયીઓ પર ભીંસ વધારવા માટે આશ્રમનું પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નાખ્યા હતા.
રૂ. ૧૦૦ કરોડની સંપત્તિ
રામપાલનો આશ્રમ ૧૨ એકરમાં ફેલાયેલો છે. લકઝરી કારોના કાફલામાં બીએમડબ્લ્યુ અને મર્સીડીઝ સામેલ છે. એવું કહેવામાં આવે છે કે રામપાલના હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં આશરે ૨૫ લાખ સમર્થક ફેલાયેલા છે. રામપાલ લગભગ રૂ. ૧૦૦ કરોડની સંપત્તિ ધરાવે છે. આશ્રમની દીવાલો ૩૦ ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળી છે. હાઇ-પ્રોફાઇલ ભક્તો માટે અંદર એરકન્ડિશન્ડ રૂમ અને વિશાળ સ્વિમિંગ પૂલ પણ છે. પ્રવચનના સ્થળે મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા અને એલઇડી સ્ક્રીન લાગેલા છે.
ભવ્ય જાહોજલાલી
રામપાલનું બાથરૂમ સુપર લક્ઝરી છે જેમાં એસી લગાવેલું છે. કિચન પણ સંપૂર્ણ રીતે આલિશાન છે, જેનો ખર્ચ એક કરોડ રૂપિયાથી વધારે આવ્યો હોવાનું અનુમાન છે. એક રૂમમાંથી રામપાલનો જોગિંગનો સામાન મળ્યો. ત્યાં સ્વિમિંગ પૂલ પણ બનેલો છે. આ પૂલની ઉપર અનેક રૂમ બનેલા છે, જે આલિશાન છે. ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગેલા છે. ટોયલેટ અને બાથરૂમની બહાર પણ સીસીટીવી કેમેરા લાગેલા છે. આશ્રમમાં જ એક મિનિ હોસ્પિટલ પણ બનેલી છે. જેમાં આઇસીયુ અને એક્સ-રે રૂમ બનેલાં છે.
બૂલેટપ્રુફ કેબિન
આ માયાલોકમાં એક સિંહાસન હતું કે જ્યાંથી બેસીને તે પોતાના ભક્તોને દર્શન આપતો હતો. તેની ચારેય બાજુ બૂલેટ પ્રૂફ કાચ છે. રામપાલ તેની અંદર કેવી રીતે પહોંચે છે તેની કોઈને જાણ નથી. તે નીચેથી ક્યાંકથી આવતો હતો અને પ્રવચન પૂરું થતાં ત્યાંથી બહાર નીકળ્યા વીના બીજી તરફ હાજર થઈ જતો હતો. લોકો તેને રામપાલની માયા સમજતા હતા.
ભક્તોની આપવીતી
આશ્રમમાંથી બહાર આવેલી મહિલાઓના જણાવ્યા અનુસાર રામપાલના અંગત કમાન્ડો તેમને બંધક બનાવીને તેમના પર બળાત્કાર કરતા હતા. તેમનો વિરોધ કરતાં તેમને ઘણા દિવસો સુધી નિર્વસ્ત્ર રાખવામાં આવતાં હતાં. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે તેમને ખાવા માટે ખીર આપવામાં આવી હતી અને આ ખીર ખાધા પછી તેમને શું થયું તે કંઈ જ યાદ નથી. આશ્રમવાસીઓએ જણાવ્યું કે, આશ્રમમાં તેમને ગોંધી રખાયા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ બહાર નીકળશે તોપોલીસ મારી નાખશે.
હરિયાણાના ડીજીપી વશિષ્ઠના જણાવ્યા અનુસાર, ૪,૦૦૦ આશ્રમવાસીઓને બહાર કાઢી લીધા બાદ હવે સતલોક આશ્રમ સંપૂર્ણપણે ખાલી છે. પોલીસે ૪૨૫ લોકોની ધરપકડ કરી છે.
પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન કોન્ડોમ, મહિલા શૌચાલયોમાં ગુપ્ત કેમેરા, કૈફી દવાઓ, બેહોશ કરનારો ગેસ, અશ્લીલ સાહિત્ય જેવી ઘણી આપત્તિજનક સામગ્રી મળી છે. આશ્રમમાં મહિલાઓ પર કેમેરા દ્વારા નજર રખાતી હતી. પોલીસને શૌચાલયોમાં જ કોન્ડોમ મળી આવ્યાં હતાં. આશ્રમની અંદર નાઇટ્રોજન ગેસની દુર્ગંધ આવતી હતી.
આશ્રમના એક ગુપ્ત કોમ્પલેક્સમાંથી પોલીસને બહુ મોટી સંખ્યામાં શસ્ત્રો, દારુગોળો, પેટ્રોલ બોમ્બ અને એસિડ સીંરિજ મળી આવ્યા છે. આ ઉપરાંત એક બસ, બુલેટપ્રૂફ મલ્ટી યુટિલિટી વ્હિકલ, મારુતિ જિપ્સી, ઓઈલ ટેન્કર અને ટ્રોલી સાથેના બે ટ્રેક્ટર કબજે કર્યા છે.
શસ્ત્રસજ્જ સેના
વિવાદાસ્પદ અને બની બેઠેલો સંત રામપાલ અંગત આર્મી ધરાવતો હતો અને આ આર્મી ઓટોમેટિક શસ્ત્રોથી સજ્જ રહેતી હતી. જેની ક્ષમતા એવી હતી કે જો તે ઈચ્છે તો એક નાનું યુદ્ધ કરી શકે તેમ હતી. સતલોક આશ્રમમાં જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રવેશ્યા ત્યારે બે કબાટમાંથી રિવોલ્વર્સ, બંદૂકો અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યાં હતાં. આ સિવાય પણ અન્ય લોક કરેલી અલમારીઓ આશ્રમમાં અધિકારીઓએ જોઈ છે જેમાં વધુ શસ્ત્રો હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે જે બે અલમારીઓ ખોલવામાં આવી તેમાંથી પોઇન્ટ ૩૨ બોરની રિવોલ્વરો, પોઇન્ટ ૩૧૫ બોરની રાઈફલ્સ અને ૧૨ બોરની બંદૂકો મળી આવી હતી. આ ઉપરાંત જે દારૂગોળો મળ્યો છે તેમાં સેલ્ફ લોડિંગ રાઈફલ્સમાં વપરાતા કારતૂસ અને ૩૦૩ રાઈફલ્સ મળી આવી હતી. અગાઉ આ શસ્ત્રો પોલીસ અને અર્ધલશ્કરી દળો ઉપયોગમાં લેતા હતા. જ્યારે ૭.૬૨ એમએમ બોરની રાઈફલ્સ સામાન્ય વ્યક્તિને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
માઓવાદીઓ દ્વારા ટ્રેનિંગ
રામપાલની માઓવાદીઓ સાથે લિંક હતી. ગત ઓગસ્ટ મહિનામાં હરિયાણા પોલીસે પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના સબ-એરિયા કમાન્ડર મહાવીર સકલાનીની ગુડગાંવમાંથી ધરપકડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ મહાવીર સકલાની પહેલાં સતલોક આશ્રમમાં જ રહેતો હતો. આ અગાઉ તે નેપાળ બોર્ડર પાસે ક્યાંક છુપાઈને રહેતો હતો જ્યાંથી તે સતલોક આશ્રમમાં રહેવા આવી ગયો હતો.
મહાવીરે પોલીસને જણાવ્યું હતું કે, આશ્રમના કમાન્ડોને તેણે જ હથિયાર ચલાવવાની, પેટ્રોલબોંબ બનાવવાની ટ્રેનિંગ આપી હતી. આશ્રમની સુરક્ષાવ્યવસ્થાનો નકશો તેણે તૈયાર કર્યો હતો.