રામેશ્વરમઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ગુરુવારે થઇ છે. સદ્ગતના પાર્થિવદેહને રામેશ્વરમ્ લાવવામાં આવ્યો હતો. ત્યાં સાંજે આઠ વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા. હજ્જારો લોકોની હાજરીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સદ્ગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગુરુવારે સવારે ૧૧ કલાકે દોઢ એકર જમીનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા, જ્યાં હવે ડો. કલામની સમાધિ બનાવાશે. પૂર્વ રાષ્ટ્રપતિને આખરી વિદાય આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા. નાદુરસ્ત તબિયતના કારણે તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા હાજર રહી શક્યાં નહોતા.
ભાજપના નેતા શાહનવાઝ હુસેને બુધવારે રામેશ્વરમ્ પહોંચીને કલામના અંતિમ સંસ્કારની બધી જ વ્યવસ્થા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૮૩ વર્ષીય ડો. કલામ સોમવારે શિલોંગમાં આઈઆઈએમ ખાતે લેકચર આપતી વખતે હાર્ટએટેક આવવાથી અચાનક ઢળી પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રાત્રે ૭.૪૫ કલાકે તેમનું નિધન થયું હતું.