રાષ્ટ્રપતિ પણ ભૂલ કરી શકે: ઉત્તરાખંડ હાઈ કોર્ટ

Thursday 21st April 2016 08:58 EDT
 
 

નૈનીતાલ: ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પૂર્વ સીએમ હરીશ રાવતની અરજીની સુનાવણી દરમિયાન નૈનીતાલ હાઈ કોર્ટે ૨૦મી એપ્રિલે એક તીખા અવલોકનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પણ ભૂલ કરી શકે છે તેથી ઉત્તરાખંડ વિધાનસભા સસ્પેન્ડ કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયની કાયદેસરતા ચકાસવા ન્યાયિક સમીક્ષા થઇ શકે છે. કેન્દ્ર સરકારે અદાલતમાં દલીલ કરી હતી કે, અદાલતો રાષ્ટ્રપતિશાસનની સમીક્ષા કરી શકે નહીં. જવાબમાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનો નિર્ણય કોઈ રાજાનો નિર્ણય નથી કે તેની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, ઉત્તરાખંડમાં બંધારણની ધારા ૩૫૬ લાગુ કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિએ તેમના રાજકીય ડહાપણથી લીધો હતો. રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો અને માહિતી અંગેની તેમની સમજણ અદાલત કરતાં અલગ હોઈ શકે છે. જવાબમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ વી. કે. બિસ્તની બેન્ચે જણાવ્યું હતું કે, લોકો ભૂલ કરી શકે છે, પછી તે રાષ્ટ્રપતિ હોય કે ન્યાયાધીશો. ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલી માહિતીની પણ ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.

સરકાર રાષ્ટ્રપતિશાસન મુદ્દે ઉશ્કેરણી કરે નહીં: હાઈ કોર્ટ

કેન્દ્ર સરકાર ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિશાસન હટાવી શકે છે તેવી કોંગ્રેસે ધારણા વ્યક્ત કર્યા બાદ હાઈ કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, કેન્દ્ર સરકાર એવું કશું નહીં કરે જેનાથી અદાલત ઉશ્કેરાય. કેન્દ્ર સરકાર અનુસાર એટર્ની જનરલે નિવેદન આપ્યું હતું કે, આર્ટિકલ ૩૫૬ પર કશું કરાશે નહીં, કારણ કે તે ઉઠાવી લેવાયો છે. કેન્દ્રનાં આ નિવેદન પછી કોંગ્રેસે ધારણા વ્યક્ત કરી હતી કે રાજ્યમાંથી રાષ્ટ્રપતિશાસન હટી શકે છે. કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ અદાલતને અપીલ કરી હતી કે કેન્દ્ર સરકારને રાજ્યમાંથી રાષ્ટ્રપતિશાસન હટાવતાં અટકાવવામાં આવે.

કેન્દ્ર સરકાર રાજકીય અંધાધૂંધી ફેલાવી રહી છે: હાઈ કોર્ટ

ઉત્તરાખંડ હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર પર રાજકીય અંધાધૂંધી ફેલાવવાનો આરોપ મૂક્યો છે. અદાલતે કેન્દ્રને સવાલ કર્યો હતો કે, શું કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિશાસન લાદવા માટે રાજ્યોની વિધાનસભાઓમાં મેગ્નિફાઇંગ ગ્લાસ લઇ તકો શોધી રહી છે? શા માટે કેન્દ્ર સરકાર ૯ કોંગ્રેસી બળવાખોર ધારાસભ્યોનાં સસ્પેન્શન પર આટલી ચિંતિત હતી? સરકાર ચૂંટાયેલી સરકારનો અધિકાર છીનવી રહી છે. રાજકીય અંધાધૂંધી ફેલાવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter