લંડનની ખાનગી કંપનીમાં સામેલ થવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩-૨૦૦૯ દરમિયાન પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હોવાના આરોપ સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહુલની ભારતીય નાગરિકતા પાછી ખેંચી લેવાની માગ કરી છે. વડા પ્રધાનને મોકલેલા પત્રની કોપી સાથે સ્વામીએ ૧૬મી નવેમ્બરે જાહેર કર્યું હતું કે, રાહુલ ગાંધીએ બ્લેકોપ્સ લિમિટેડ કંપનીના વાર્ષિક રેકોર્ડમાં પોતાની જન્મ તારીખ તો યોગ્ય દર્શાવી છે, પણ યુકેના સરનામા સાથે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે. આ દેશના કાયદા અને બંધારણીય પદનો પ્રથમ દર્શનીય ભંગ છે. વડા પ્રધાનને હું અપીલ કરું છું કે આ અંગે ત્વરિત પગલાં લે અને ઉકેલ લાવે, જો એમ ના થાય તો રાહુલ ગાંધીની નાગરિકતા અને લોકસભાનું પદ તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં આવે. સ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દે લોકસભા સ્પીકરને પણ પત્ર લખી યોગ્ય પગલાં લેવા વિનંતી કરશે.
• શાનદાર ભાષણ માટે મોદીનાં વખાણ કેમ ન કરીએ, ઓમરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ૧૪મી નવેમ્બરે વડા પ્રધાન મોદીની ટીકા કરનાર લોકો પર વરસી પડ્યા. ઉમરે કહ્યું કે, આખરે આપણે બ્રિટનની સંસદમાં પીએમની શાનદાર સ્પીચ પર ગર્વ કેમ નથી અનુભવી શકતા. ખુદને કોંગ્રેસના કાર્યકર્તા ગણાવનારાના ટ્વિટના જવાબમાં ઓમરે લખ્યું કે, ભારતના વડા પ્રધાને બ્રિટિશ સાંસદમાં શાનદાર ભાષણ કર્યું તો આપણને તેનું ગર્વ કેમ નથી?
• નથુરામ ગોડસે હત્યારો, એનું સન્માન કરવું અયોગ્યઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભૂતપૂર્વ નેતા એમ. જી. વૈદ્યએ તાજેતરમાં નાગપુર ખાતે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના હત્યા કરનારાનું સન્માન કરવું અયોગ્ય છે. નથુરામ ગોડસે હત્યારો હતો. એણે રાષ્ટ્રપિતાની હત્યા કરી છે. એટલે આવા હત્યારાનું સન્માન કરવું ન જોઇએ. પનવેલ ખાતે નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમ અંગે વૈદ્યે ભૂમિકા સ્પષ્ટ કરી હોવા છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હજુ સુધી આ મુદ્દે સ્પષ્ટતા કરી નથી. અત્યાર સુધી સંઘમાંથી નથુરામ ગોડસેની તરફેણ કરતાં સૂર બહાર આવતા હતા, ત્યારે સંઘના નેતાનું આ નિવેદન ઘણું બધું કહી જાય છે. ૧૬મી નવેમ્બરે મહારાણા પ્રતાપ બટાલિયન નામની સંસ્થાએ નથુરામ ગોડસેની પુણ્યતિથિને શૌર્ય દિન તરીકે ઊજવ્યો હતો.
• શાહી ઇમામના દીકરા શાબાને હિંદુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાંઃ જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીના દીકરા શાબાન બુખારીના નિકાહ એક હિંદુ યુવતી સાથે થયા છે. આ લગ્ન ગત રવિવારે થયા હતા. દાવત-એ-વલીમા અર્થાત્ રિસેપ્શન ૧૪ નવેમ્બરના રોજ રાખવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે, આ રિસેપ્શનમાં જે લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમાં વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી રાજનાથસિંહનો પણ સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે, શાબાન શાહી ઇમામના વારસ છે. ગત વર્ષે જ્યારે શાબાનની દસ્તારબંદી (વારસ બનાવવાની રસમ) થઈ હતી ત્યારે શાહી ઇમામે મોદીને ન બોલાવીને પાકિસ્તાનના પ્રમુખ નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું. આ મામલે જ્યારે શાહી ઇમામને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દસ્તારબંદી એ ધાર્મિક કાર્યક્રમ હતો અને આ કૌટુંબિક કાર્યક્રમ છે. શાબાનની દસ્તારબંદી ગત વર્ષે ૨૨ નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી અને આ અંગે ઘણા સવાલો પણ ઉઠયા હતા.
સૂત્રો મુજબ, શાબાન બુખારી સાથે લગ્ન કરનારી હિંદુ યુવતી ગાઝિયાબાદની રહેવાસી છે. બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. જાણવા મળી રહ્યું છે કે, આ લગ્નને કારણે બંને પરિવારોમાં ઘણો તણાવ પણ હતો. શાહી ઇમામ પણ આ લગ્નની વિરુદ્ધ હતા. જોકે, હિંદુ યુવતીએ ઇસ્લામ કબૂલ કરવાની અને કુરાન શીખવાની શરત મંજૂર કરતાં ઇમામે આ લગ્નને મંજૂરી આપી હતી.