અભિનેતા અનુપમ ખેરે ૬ઠ્ઠી માર્ચે કોલકાતામાં અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના સમારોહમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવનારાઓ પર નિશાન સાધીને કહ્યું હતું કે, અસહિષ્ણુતા માત્ર ધનવાનો અને નરેન્દ્ર મોદીના જૂના વિરોધીઓ માટે ઊભો કરાયેલો મુદ્દો છે. અસહિષ્ણુતા જેવો શબ્દ અગાઉ કોઈએ બોલ્યો કે સાંભળ્યો પણ નહોતો. ઇરાદાપૂર્વક આ મુદ્દાને ચગાવાયો છે. ફાઇવસ્ટાર હોટલમાં બેસીને સમૃદ્ધ હોય છે તેવા લોકો અસહિષ્ણુતા પર ચર્ચા કરે છે. સામાન્ય માણસને તો તેની સાથે કોઈ મતલબ જ નથી.
આ કાર્યક્રમમાં મંચ પર બેઠેલા કોંગ્રેસી નેતા રણદીપસિંહ સૂરજવાલાને ખેરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જે લોકો સહન કરી શકે છે તે લોકો દુનિયામાં કોઈપણ વાતને સહન કરી શકશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ પર વધુ તીવ્ર પ્રહાર કરતાં અભિનેતાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી મોદીના ૧૦માં ભાગ જેટલા પણ સક્ષમ થશે ત્યારે મારો મત તેમને આપીશ.