રાહુલના રમારમ જવાબો પાછળ ચૂંટણી ચાણક્ય પ્રશાંત કિશોરની કરામત

Friday 04th March 2016 02:31 EST
 
 

નવીદિલ્હીઃ લોકસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી માર્ચે પોતાના ભાષણમાં ચબરાક શ્લેષ અને આકરાં કટાક્ષોનો ઉપયોગ કરીને સૌને ચકિત કરી દીધાં હતાં. સાધારણત: માહિતીદોષ અને આક્રમકતાના અભાવની છાપ ધરાવતા રાહુલના આ બદલાયેલા તેવરની હરીફ ભાજપે પણ નોંધ લેવી પડી હતી અને ત્રીજી માર્ચે સ્વયં વડા પ્રધાન મોદીએ પણ પોતાના ભાષણમાં રાહુલને જ નિશાન બનાવવા પડયા હતા. રાહુલની આ અચાનક બદલાયેલી વાકપટુતા પાછળ ચૂંટણી ચાણક્ય તરીકે જાણીતા પ્રશાંત કિશોર હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર અગાઉ ભાજપ અને નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનની જવાબદારી સંભાળતા હતા અને લોકસભાની ચૂંટણીમાં ‘ચાય પે ચર્ચા’, મોદીની ચાયવાલા તરીકેની ઈમેજ, ‘અચ્છે દિન’ જેવા સૂત્રો વગેરે ઘડવામાં પ્રશાંત કિશોરનું ફળદ્રુપ ભેજું જવાબદાર હોવાનું મનાય છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રશાંત કિશોરને મનમેળ ન સધાતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે સ્વૈચ્છિકપણે પોતાની સેવાઓ નીતિશકુમારને આપી હતી. ખરાખરીના ગણાયેલા એ ચૂંટણીજંગમાં ભાજપના આક્રમક પ્રચારની સામે નીતિશકુમારે આશ્ચર્યજનક રીતે સણસણતા જવાબો વાળીને સૌને ચકિત કરી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter