મુંબઈઃ ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિના પગરણ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે કંપનીની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં તેમની મહત્ત્વાકાંક્ષી ‘જિઓ ૪જી’ સેવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં પાંચમી સપ્ટેમ્બરથી સર્વિસનો પ્રારંભ થશે. મુકેશ અંબાણીએ આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા યોજનાની યાદ અપાવતાં જિઓ ૪જી સર્વિસ વડા પ્રધાનના વિઝન અને દેશની ૧૨૦ કરોડની જનતાને સમર્પિત કરી હતી.
ગ્રાહકો માટે વોઈસ કોલના નાણાં ચૂકવવાનો યુગ હવે પૂરો થઈ ગયો તેમ જણાવી મુકેશ અંબાણીએ ટેલિકોમ ઉદ્યોગને હચમચાવી દીધો હતો. ગ્રાહકોએ માત્ર એક જ સેવાના નાણાં ચૂકવવા પડશે. જિઓના કોઈ ગ્રાહકે આજીવન વોઈસ કોલ્સ માટે નાણાં ચૂકવવા નહીં પડે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મારા મતે જિઓના ડેટા રેટ સમગ્ર વિશ્વમાં સૌથી ઓછા છે. ડેટા માટેનો આક્રમક પ્લાન અંતર્ગત પ્રત્યેક એમબી દીઠ પાંચ પૈસા અથવા પ્રત્યેક જીબી દીઠ રૂ. ૫૦નો દર નિર્ધારિત કરાયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ૨૫ ટકા વધુ ડેટા આપવાની જાહેરાત કરી હતી. દેશના તમામ વ્યક્તિઓને કિફાયતી દરે ડેટા ઉપલબ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અંબાણીએ રૂ. ૧૪૯ના પ્લાન સહિત ૧૦ પ્લાનની જાહેરાત કરી હતી.
માત્ર ડેટાનો ચાર્જ, કોલિંગ ફ્રી
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે ગ્રાહકો પાસેથી ફક્ત ડેટાના પૈસા જ લઈશું. આમ ગ્રાહકો વધુમાં વધુ ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમણે ડેટા ટર્નઓફ નહીં કરવા પડે. જેટલો વધુ ડેટા વાપરશે તેટલી જિઓ ૪જી સેવા તેમને સસ્તી પડશે. ‘વન ઇન્ડિયા’ની ભાવનાને જીવંત રાખવા જિઓ ૪જી સર્વિસના યૂઝર્સ આખા દેશમાં કોઈ પણ સ્થળે વોઇસકોલિંગ, એસએમએસ તેમજ રોમિંગ સેવાના લાભ મફતમાં મેળવશે. આમ વોઇસકોલના દર વસૂલવાના યુગનો આ સાથે અંત આવશે. આ ઉપરાંત યૂઝર્સને જિઓ ૪જીની તમામ ઓફર્સ ૫ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી મફતમાં મળશે. રિલાયન્સ જિઓ ટીમ માટે અંબાણીએ ૧૦ કરોડ યૂઝર્સનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ હશે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે સામાન્ય રીતે મોબાઇલ નેટવર્ક કંપનીઓ દ્વારા ગ્રાહકને રૂ. ૨૫૦માં ૧ જીબી ડેટા અપાય છે, પણ રિલાયન્સ જિઓ તેના ગ્રાહકને ફક્ત રૂ. ૫૦માં ૧ જીબી ડેટા આપશે. જો યૂઝર્સ દ્વારા વધુ ડેટાનો વપરાશ થયો હશે તો કંપની ફક્ત રૂ. ૨૫માં ૧ જીબી ડેટાની સુવિધા આપશે.
‘જિઓ’ની જવાબદારી ઇશા-આકાશને
મુકેશ અંબાણીએ રિલાયન્સ જૂથના ‘સૌથી યુવા સભ્ય’ જિઓ ટેલિકોમના લોન્ચિંગ વેળા કહ્યું હતું કે સમગ્ર ટીમની સરેરાશ ઉંમર ૩૦ વર્ષની છે. જિઓ એ યુવાન લોકો દ્વારા, યુવાનો માટે શરૂ કરાયેલું સાહસ છે. જિઓના અમારા બંને ડિરેક્ટર્સ આકાશ (પુત્ર) અને ઈશા અંબાણી (પુત્રી) બંને ૨૪ વર્ષના છે. તેમણે આ સાહસને ટીમની સાથે મળીને સફળ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. યુવાનોને જો તક આપવામાં આવે તો તેઓ અશક્ય કામગીરીને પણ અન્યો કરતાં બહેતર રીતે નિભાવી જાણે છે તેનું ઉદાહરણ જિઓએ પૂરું પાડ્યું છે.
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ
રિલાયન્સે તેની મહત્વાકાંક્ષી જિઓ ટેલિકોમ સર્વિસની જાહેરાત કરીને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવ્યો છે. રિલાયન્સ જિઓના ગ્રાહકો માટે ફ્રી વોઈસ કોલિંગ તથા ફ્રી નેશનલ રોમિંગ ઉપરાંત સાવ સસ્તાં દરે મોબાઈલ ડેટા ઉપલબ્ધ બનાવવાની ઘોષણા કરી છે. જેના પગલે ટોચની ટેલિકોમ કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલાયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીના સંબોધન દરમિયાન લિસ્ટેડ હરીફ ટેલિકોમ કંપનીઓની માર્કેટકેપ વેલ્યૂમાં સંયુક્ત ધોરણે રૂ. ૧૩,૧૬૫, કરોડથી વધુનું ધોવાણ થયું હતું. આઇડિયા સેલ્યુલરનો શેર રૂ. ૮૩.૨૦ના તળિયે સ્પર્શ્યો હતો, જે નવેમ્બર ૨૦૧૨ પછીનો સૌથી નીચો ભાવ છે. આ શેર ગુરુવારના સેશનના અંતે ૧૦.૫ ટકાના કડાકામાં રૂ. ૮૩.૭ બંધ રહેતા કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૩,૫૨૮.૭૯ કરોડનું ધોવાણ થયું હતું. આ જ રીતે ભારતી એરટેલનો શેર દિવસ દરમિયાન રૂ. ૩૦૨ના તળિયે બોલાયો હતો, જે ફેબ્રુઆરી ૨૦૧૦ પછીનું લોએસ્ટ લેવલ છે. કામકાજના અંતે આ શેર ૬.૪ ટકા ઘટીને રૂ. ૩૧૦.૭ બંધ રહેવાથી કંપનીની માર્કેટ કેપ વેલ્યૂમાં સૌથી વધુ રૂ. ૮,૪૫૪.૪૯ કરોડનો ઘટાડો થયો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સનો શેર પણ ૮.૮ ટકાની ખરાબીમાં રૂ. ૪૯.૧૫ બંધ હતો. સ્ટોક એેક્સ્ચેન્જ મુંબઇ શેરબજાર ખાતે ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ ૫.૭ ટકાના ધબડકામાં ૧૧૫૬.૫૮ પોઇન્ટ રહ્યો હતો.
ઊડતી નજરે
• જિઓ ૧૮ હજાર શહેરો-નગરો અને ૨ લાખ ગામડાંમાં તેની સર્વિસ આપશે.
• માર્ચ ૨૦૧૭ સુધીમાં જિઓ ૪જી સેવા દેશની ૯૦ ટકા વસતીને આવરી લેશે.
• ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ જિઓ ૪જી સર્વિસીસનું વ્યાપારી ધોરણો લોન્ચિંગ કરાશે.
• જિઓથી દેશમાં શિક્ષણ અને હેલ્થ સેક્ટરમાં ક્રાંતિ આવશે.
• જિઓને કારણે ભારતની ગ્લોબલ રેન્કિંગ સુધરશે અને ભારત ટોપ ૧૦ ઇન્ટરનેટ પ્રોવાઇડર્સમાં સામેલ થશે.
• જિઓ સાથે લોકોની લાઇફસ્ટાઈલ આધુનિક બનશે અને લોકો સમૃદ્ધ બનશે.
• સમગ્ર દિશમાં ૧૦ લાખ વાઈ-ફાઈ ઝોન બનાવવામાં આવશે. સ્કુલો-કોલેજોને તેની સાથે જોડાશે. અહીં પણ યુઝર્સને વોઇસકોલ ફ્રી મળશે.
• રૂપિયા ૨૯૯૯ના દરે પરવડી શકે તેવા ૪જી એલટીઈ સ્માર્ટફોન ફોન લોન્ચ થશે.
• ડિસેમ્બર, ૨૦૧૭ સુધી જિઓ એપ અર્થાત્ એક વર્ષ સુધી ફ્રી રહેશે. જિઓ શિક્ષણ, ગ્રામીણ ક્ષેત્ર, આરોગ્ય અને કૃષિ વિષયક એપ પણ લોન્ચ કરશે.