મુંબઇ: ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવતા વર્ષે તેના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ પછી રિલાયન્સ રિટેલને પણ શેરબજારમાં લિસ્ટ કરવાની કંપનીની યોજના છે. નિષ્ણાતોનું અનુમાન છે કે રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યુ આશરે રૂ. 8.4 લાખ કરોડ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર મુકેશ અંબાણીએ 2019માં કહ્યું હતું કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ આગામી પાંચ વર્ષમાં શેરબજારમાં લિસ્ટિંગ તરફ આગળ વધશે.
નંબર વન ટેલિકોમ કંપની
તાજેતરના વર્ષોમાં મુકેશ અંબાણીએ KKR, જનરલ એટલાન્ટિક અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મોટા રોકાણકારો પાસેથી ડિજિટલ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં કુલ રૂ. 2.10 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. એક અહેવાલમાં આઈપીઓની તૈયારીમાં વ્યસ્ત અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે રિલાયન્સ જિયોનો આઇપીઓ 2025માં લોન્ચ થશે. તેણે 47.9 કરોડ ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. હવે તે ભારતની નંબર વન ટેલિકોમ કંપની છે. આ સંદર્ભમાં, શેરબજારોમાં લિસ્ટિંગ માટે આ યોગ્ય સમય છે.
જિયો પછી રિટેલનો આઇપીઓ
જોકે અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલનો 2025 પછી આવશે. કંપની હાલમાં બિઝનેસ અને ઓપરેશન સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉકેલવા માંગે છે. જોકે આ મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રિલાયન્સ જિયો ભારતમાં એલન મસ્કની સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહ્યું છે. જિયોને ગૂગલ અને મેટાનો સપોર્ટ છે. તેથી તેણે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે Nvidia સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.