નવી દિલ્હી: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ મર્જર માટે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસમાં વાયકોમ18 તથા સ્ટાર ઈન્ડિયાના બિઝનેસ જોડાશે. જેનું કુલ મૂલ્ય 8.5 બિલિયન ડોલર (અંદાજે રૂ. 70,352 કરોડ) થશે. સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે. આ સહિયારા સાહસનું નિયંત્રણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થશે અને નીતા અંબાણી તેના ચેરપર્સન બનશે. મર્જર બાદ સાકાર થનારી કંપની મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની બનશે. જેની વિવિધ ભાષામાં 100થી વધુ ચેનલો હશે, બે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ રહેશે અને 75 કરોડ દર્શકોનો વ્યૂઅર બેઝ હશે.