મુંબઈ: ભારતની કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેગા ડિમર્જરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં ફાઈનાન્સિયલ સર્વિસીઝ બિઝનેસનું જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ (જેએફએસ)ના નામે ડિમર્જર થઈ રહ્યું છે, ત્યારે વેલ્યુ અનલોકિંગના આ આકર્ષણમાં રિલાયન્સ રીટેલનું 100 બિલિયન ડોલરથી વધુનું વેલ્યુએશન મુકાયું છે. આ જંગી વેલ્યુએશનને રિલાયન્સ રીટેલે એફએમસીજી જાયન્ટ આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવરને પણ પાછળ મૂકી દીધા છે. રિલાયન્સે જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝના ડિમર્જર માટે 20 જુલાઇની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
વૈશ્વિક બ્રોકિંગ કંપનીઓનો એકસૂર
વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ જેપી મોર્ગન દ્વારા રિલાયન્સ રીટેલનું એન્ટરપ્રાઈઝ મૂલ્ય 112 બિલિયન ડોલર મૂકાયું છે અને એ મુજબ ઈક્વિટી મૂલ્ય 102 બિલિયન ડોલર જેટલું થાય છે. અન્ય બ્રોકિંગ જાયન્ટ યુબીએસ દ્વારા વેલ્યુએશન 110 બિલિયન ડોલર, બર્નસ્ટેઈન દ્વારા 111 બિલિયન ડોલર અને સ્થાનિક બ્રોકિંગ જાયન્ટ જેએમ ફાઈનાન્શિયલ દ્વારા 105 બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું છે. જેએમ ફાઈનાન્શિયલના મતે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ) માટેનું ઈક્વિટી મૂલ્ય રૂ. 8600 બિલિયન એટલે કે 105 બિલિયન ડોલર જેટલું થાય છે.
વર્ષ 2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આરઆરવીએલમાં 10.52 ટકા હિસ્સાનું વિવિધ પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોને વેચાણ કરાયું હતું. એ સમયે કંપનીનું મૂલ્ય રૂ. 4.2 થી 4.3 લાખ કરોડ જેટલું મૂકવામાં આવ્યું હતું. આજે તેનું વેલ્યુએશન રૂ. 100 લાખ કરોડ મૂકાયું છે. બિલિયન ડોલરથી વધુ રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના વેલ્યુએશન સાથે શેરબજારમાં માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે કંપની ચોથી સૌથી મોટી કંપની બનશે. જે આઈસીઆઈસીઆઈ બેંકના રૂ. 6.65 લાખ કરોડ, હિન્દુસ્તાન યુનિલિવરના રૂ. 6.2 લાખ કરોડ અને આઈટીસી લિ.ના રૂ. 5.8 લાખ કરોડ કરતાં ઘણું વધુ માર્કેટ કેપ છે. રિલાયન્સ રીટેલની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂ. 18 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ સાથે દેશની સૌથી મોટી કંપની છે. ત્યાર બાદ ટીસીએસ રૂ. 12 લાખ કરોડ સાથે બીજા સ્થાને અને એચડીએફસી બેંક રૂ. 9.3 લાખ કરોડ સાથે ત્રીજા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે જ રિલાયન્સ દ્વારા રિલાયન્સ રીટેલ લિમિટેડમાં નોન-પ્રમોટર્સ શેરોને શેર દીઠ રૂ. 1362 ભાવે કેન્સલ - રદ કરવાનું જાહેર કરાયું છે. રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડમાં 85 ટકા હોલ્ડિંગ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે છે. જ્યારે રિલાયન્સ રીટેલમાં 99 ટકાથી વધુ છે.