રૂ. ૨.૫ લાખથી વધુ ‘બ્લેક કરન્સી’? ૬૦ ટકા વસૂલવા સરકારનો વિચાર

Friday 25th November 2016 05:16 EST
 
 

નવી દિલ્હીઃ મોદી પ્રધાનમંડળની ગુરુવારે મળેલી બેઠકમાં નોટબંધી લાગુ થયા પછી બેન્ક ખાતામાં નિશ્ચિત મર્યાદાથી વધુ જમા થયેલી રકમ પર ૬૦ ટકા આવકવેરો નાખવા માટે આઇટી એક્ટમાં સુધારો કરવાના મુદ્દે ચર્ચા થયાનું મનાય છે. સરકારનો ઇરાદો હાલ ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં જ આઇટી એમેન્ડમેન્ટ એક્ટ રજૂ કરવાનો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ વિચારણા એવા સમયે ચાલી રહી છે જ્યારે જનધન બેન્ક એકાઉન્ટમાં માત્ર બે જ સપ્તાહમાં ૨૧,૦૦૦ કરોડ જમા થયા હોવાના અહેવાલો મળ્યા છે.

ગુરુવારે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં શું થયું તેની સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે. અત્યાર સુધી એવી પરંપરા રહી છે કે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે સરકાર સંસદગૃહ બહાર કોઇ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતી નથી.

અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે સરકાર ૧૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી બેન્ક ખાતામાં જમા થયેલા તમામ બેનામી નાણાં પર ટેક્સ વસૂલવા માગે છે. નોટબંધીના નિર્ણય પછી અઢી લાખથી વધુ રકમ જમા કરાવનારાઓ પર ૨૦૦ ટકાથી લઇને ૩૦ ટકા ટેક્સ વસૂલવાની અટકળો ચાલી રહી છે. જોકે આ સંદર્ભમાં હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એક અટકળ એવી પણ થઇ રહી છે કે સરકાર ઘરમાં સોનું રાખવા ઉપર પણ મર્યાદા નાખવા માગે છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ગુરુવારની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી કે નહીં તેની માહિતી મળી નથી. આ કેબિનેટ બેઠક ખૂબ જ ટૂંકી નોટિસમાં બોલાવવામાં આવી હતી. સરકારે ઇચ્છે છે કે લોકો ભયને કારણે ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોનો નાશ ન કરે, પણ બેન્કમાં જમા કરાવે. ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ જણાવ્યું હતું કે નોટબંધી પછી ૨.૫ લાખથી વધુ રકમ જમા કરાવનારાઓને ૨૦૦ ટકા સુધીનો દંડ થઇ શકે છે.

નોટબંધીથી કાળું નાણું નાબૂદ થશેઃ સરકારનું સોગંદનામું

નોટબંધીના નિર્ણય અંગે વિપક્ષોની સતત ટીકાઓ સહન કરી રહેલી મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં નોટબંધી મુદ્દે સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો છે કે આ પગલાંથી ૭૦ વર્ષથી જમા થયેલ કાળા નાણાંને સમાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. વિશ્વમાં જીડીપીના માત્ર ૪ ટકા રોકડ વ્યવહારો થાય છે. જ્યારે આપણા દેશમાં જીડીપીના ૧૨ ટકા રોકડ વ્યવહારો થાય છે. આ સ્થિતિમાં નોટબંધીનો નિર્ણય રોકડ વ્યવહારો ઘટાડી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

સોગંદનામામાં સરકારે જણાવ્યું છે કે અમને જાણવા મળ્યું છે જનધન ખાતાઓમાં ડીપોઝીટ રકમમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેટલાક અસામાજિક તત્ત્વો પોતાના કાળાં નાણાંને વ્હાઇટ બનાવવા માટે ગરીબ અને નિર્દોષ લોકોના જનધન ખાતાનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા ખાતાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જનધન ખાતાધારકોને અમારી અપીલ છે કે તેઓ પોતાના ખાતામાં અન્ય લોકોનાં નાણાં જમા કરાવે નહીં.

નોટબંધીને કારણે રિઅલ એસ્ટેટ સેક્ટર પર અંકુશ આવશે. રોકેટ ગતિએ વધી ગયેલા મકાનોના ભાવ નીચા આવશે. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા મકાનો ઉપલબ્ધ બનશે. સરકારે વધુમાં જણાવ્યું છે કે નોટબંધીને કારણે કરોડો નકલી નોટો બહાર આવી છે. આતંકવાદ પર ખર્ચ થનારા નાણાં બહાર આવ્યા છે.

સરકારે આ પગલાંને કાયદાકીય રીતે પણ યોગ્ય ગણાવ્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે આરબીઆઇ એક્ટ-૨૬ અને બેન્ક રેગ્યુલેશન એક્ટ હેઠળ સરકારને કરન્સી નોટનું લીગલ ટેન્ડર દૂર કરવાનો અધિકાર છે અને કેટલીક સેવાઓમાં જૂની ચલણી નોટો છૂટ આપવાનો પણ અધિકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter