થ્રિસુર (કેરળ): ભારતભરમાં ‘હમર કેસ’ તરીકે જાણીતા થયેલા હત્યા કેસમાં થ્રિસુર કોર્ટે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા કેરળના બીડી કારોબારીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે. ‘બીડી કિંગ’ તરીકે જાણીતા નિશામ નામના આ વેપારીએ ઘરનો દરવાજો મોડો ખોલનાર ગાર્ડ પર હમર કાર ચડાવી દઇને તેને કચડી નાખ્યો હતો. એક વર્ષ પૂર્વેની આ ઘટનામાં કોર્ટે વેપારીને ૭૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ ગાર્ડના પરિવારને આપવામાં આવશે.
કોર્ટે સજા ફરમાવ્યા બાદ નિશામે કોર્ટમાં દલીલ કરી હતી કે તે બાયપોલર ડિસિઝથી પીડાય છે. આથી તેની સજામાં કોર્ટે થોડી દયા દાખવવી જોઈએ અને તેને રાહત આપવી જોઈએ. આ અંગે વકીલ સી. પી. ઉદયભાનુએ જણાવ્યું કે, નિશામ હવે સમાજ માટે ખતરો બની ગયો છે અને તેને તેના ગુના બદલ સખત સજા મળવી જ જોઈએ. નિશામને ગત વર્ષે જાન્યુઆરીમાં પકડવામાં આવ્યો હતો.
'યે કુત્તા મરેગા નહીં...'
દેશભરમાં ચકચારી હમર કેસ તરીકે જાણીતા હત્યા કેસમાં કોર્ટ દ્વારા વેપારીને ૨૦ જાન્યુઆરીએ દોષિત ઠરાવવામાં આવ્યો હતો. બીજા દિવસે ૨૧ જાન્યુઆરીએ કોર્ટે સજા જાહેર કરતા જણાવ્યું હતું કે, નિશામે ખૂબ જ નિર્દયી રીતે તેના ગાર્ડને માર્યો હતો. નિશામે ૫૧ વર્ષના ચંદ્રબોઝ પર પોતાની કાર ચડાવી દીધી હતી અને તેને ૭૦૦ મીટર સુધી ઢસડી ગયો અને દીવાલ સાથે કાર અથડાવી હતી. આ દરમિયાન તે બોલતો હતો કે, 'યે કુત્તા મરેગા નહીં.' ચંદ્રબોઝને દીવાલ સાથે ભીંસી નાખતી વખતે પણ તે આવું જ બોલતો હતો.
જેલવાસ દરમિયાન પણ વિવાદ
નિશામ જેલમાં હતો ત્યારે પણ સતત વિવાદોમાં હતો. જેલમાં તેણે શાહી દાવતો યોજી હતી અને આ ભોજનની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ તસવીરોને કારણે ઘણો વિવાદ થયો હતો અને પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પહેલાં નિશામ સામે ૧૩ કેસ થયા હતા, જેમાં કોર્ટ બહાર સમજૂતી અને પતાવટ કરવામાં આવી હતી.
મોહમ્મદ નિશામનું સામ્રાજ્ય
• કેરળનો ઉદ્યોગપતિ, તંબાકુ અને રિયલ એસ્ટેટનો મોટો ઉદ્યોગ
• તામિલનાડુના થિરુનેલ્વેલીમાં કિંગ્સ બીડી કંપનીનો મેનેજિંગ પાર્ટનર
• તંબાકુ સાથે હોટેલ અને જ્વેલરીનો મધ્યપૂર્વમાં મોટો વેપાર
• નિશામ પાસે બેન્ટલી, રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન, રોડ રેંજર, ફરારી અને જગુઆર જેવી લકઝ્યુરિયસ કારોનો કાફલો
• વ્યવસાયની સાથે-સાથે ગુનાની દુનિયામાં આગળ વધતો ગયો
• નિશામ વિરુદ્ધ કેરળ અને કર્ણાટકમાં ગુનાની ડઝનબંધ ફરિયાદો નોંધાયેલી છે
• કેરળ સરકારે કેરળ અસામાજિક પ્રવૃત્તિ નિવારણ કાયદા અંતર્ગત આરોપી બનાવ્યો છે
• ૨૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ તેણે તેના ૫૦ વર્ષના ગાર્ડને સળિયાથી બેરહેમીથી માર્યા બાદ એસયુવી કાર દ્વારા દીવાલ સાથે ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યો હતો. ઘાયલ ચંદ્રબોસને બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રખાયો હતો. જોકે તેનું મોત થયું હતું
• ચંદ્રબોસ ધીમે-ધીમે ગેટ ખોલતો હતો જેની આટલી ક્રૂર સજા આપવામાં આવી હતી.
• સુપ્રીમ કોર્ટે નિશામની જામીન અરજી ફગાવતા કહ્યું હતું કે, અમીરોના અહંકારની હદનું આ ઉદાહરણ છે.
આ કેસો પણ ચર્ચામાં રહ્યા
૨૦૧૩માં નિશામે તેના ૯ વર્ષના પુત્રને તેના રેસિડેન્શિયલ કોમ્પલેક્ષમાં ફરારી કાર ચલાવવાની પરવાનગી આપી હતી, જે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ૨૦૧૩માં દારૂના નશામાં નિશામે એક મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર ટી. દેવીને ગાડી ચેક કરવાથી રોકી હતી. જ્યારે દેવી ગાડીની ચાવીઓ કાઢવા કારમાં બેસી ગઇ ત્યારે નિશામે તેને રિમોટ દ્વારા કારમાં જ પૂરી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અન્ય પોલીસ કાફલા સાથે વિવાદ બાદ તેણે મહિલા સબ ઇન્સપેક્ટરને કારમાંથી બહાર આવવા દીધી હતી.