મુંબઈઃ ફાયનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયાના ફાઉન્ડર જીજ્ઞેશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ તપાસમાં અસહકાર બદલ ધરપકડ કરી છે. નોંધનીય છે કે પીએમએલએ કોર્ટે એનએસઇએલ સ્કેમમાં સંડોવાયેલા ૬૮ આરોપીને ૧૮ જુલાઈ પહેલા કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
શાહની અટકાયત બાદ ઇડી અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાહ વિરુદ્ધ અમારી પાસે મની લોન્ડ્રિંગના સબળ પુરાવા છે એટલે અમે તેની કસ્ટડી મંગળવારે લીધી છે. NSELના લગભગ રૂ. ૫,૬૦૦ કરોડના આર્થિક કૌભાંડમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં પીએમએલએ એક્ટ હેઠળ શાહ સહિત ૬૭ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અગાઉ ઈડીએ શાહની પુછપરછ માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. મંગળવારે દસથી વધુ કલાક શાહની પૂછપરછ કરવામાં આવી હતી. શાહને હાલમાં ૧૮મી સુધી રિમાન્ડ પર સોંપાયા છે.