હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી. ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા પછી એક મહિના અગાઉ રાજુ સહિત દસને જેલમાં મોકલાયા હતાં. આર્થિક બાબતોના વિશેષ ન્યાયમૂર્તિ એમ. લક્ષ્મણે જણાવ્યું હતું કે રાજુ અને તેમના ભાઇ તથા સત્યમના તત્કાલીન મેનેજિંગ ડાયરેક્ટર બી રામા રાજુની મૂળભૂત સજા રૂ. એક લાખના પર્સનલ બોન્ડ ભર્યા પછી રદ કરવામાં આવી છે.
સલમાન મુસ્લિમ હોવાથી તેને જામીન મળ્યાઃ વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની કેદ સજા મળ્યા બાદ બે દિવસમાં જ જામીન મેળવનાર સલમાનખાનના નામે વિવાદ ઊભો થયો છે. ભાજપના સાંસદ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ આરોપ મૂક્યો હતો કે સલમાન મુસ્લિમ હોવાથી આટલી ઝડપથી જામીન મળી ગયા, જો સલમાન મુસ્લિમ ન હોત તો ચોક્કસપણે ગરીબ પીડિતોને ન્યાય મળ્યો હોત. સાધ્વી પ્રાચીએ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં અટકાયત હેઠળ રખાયેલ સાધ્વી પ્રજ્ઞાને મુક્ત કરવાની માગ કરી હતી.
‘આપ’ વિરુદ્ધ સમાચારો છપાશે તો માનહાનિની કાર્યવાહીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી તો મીડિયા પર આમઆદમી પાર્ટી (આપ)ને બરબાદ કરવાની સોપારી લેવાનો આરોપ મુકી રહ્યા હતા. હવે તેમણે સર્ક્યુલર ઇસ્યુ કરીને અધિકારીઓને મીડિયા પર નજર રાખવા કહ્યું છે. તેમની છબિને ખરાબ કરે તેવા સમાચારો દેખાડવા કે છાપવા બદલ મીડિયા પર માનહાનિની કાર્યવાહી કરાશે, તેવું તેમણે ફરમાન બહાર પાડ્યું છે. રાજ્ય સરકાર કે મુખ્ય પ્રધાનની છબિને ખરડે તેવા સમાચારોની ફરિયાદ સીધી મુખ્ય સચિવ (ગૃહ)ને કરી તપાસ કરાશે.