રેમન્ડ ગ્રૂપનું સિંઘાનિયા દંપતી છૂટા પડવાના આરેઃ નવાઝે છૂટાછેડા પેટે પતિ ગૌતમ પાસે રૂ. 8,250 કરોડ માંગ્યા

Saturday 25th November 2023 12:59 EST
 
 

મુંબઇઃ ભારતીય બિલિયોનેર ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા છૂટાછેડા ભારતના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા બની શકે છે. ગૌતમ સિંઘાનિયાની સંપત્તિમાં તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ 75 ટકા હિસ્સો માંગ્યો છે. ગૌતમ સિંઘાનિયાની 11,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં 75 ટકા હિસ્સો 8,250 કરોડ રૂપિયા થાય. આટલી રકમ છૂટાછેડા પેટે માંગી છે.
હવે જો આ છૂટાછેડા મંજૂર થાય તો ભારતના સંભવત: સૌથી મોંઘા છૂટાછેડા હશે. ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ જણાવ્યું છે કે આ હિસ્સો તેમનો, તેમની પુત્રી નિશા અને નિહારિકાનો હશે. છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચેના છૂટાછેડાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે.
અહેવાલ મુજબ, ગૌતમ સિંઘાનિયાએ તેની 11,000 કરોડથી વધુની સંપત્તિમાં 75 ટકા હિસ્સો આપવા સંમતિ જાહેર કરી છે. તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં કુટુંબની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જોકે સૂત્રો મુજબ સિંઘાનિયા ઇચ્છતા હતા કે તેમના મૃત્યુ પછી તેના કુટુંબના સભ્યોને સંપત્તિની વસિયત કરવાની મંજૂરી આપવામાં આવે, પણ આ વાત તેમની પત્ની નવાઝને મંજૂર નથી.

બંને વચ્ચે બધું બરોબર નહોતું
ગૌતમ સિંઘાનિયાએ મુંબઈ નજીક થાણે સ્થિત રેમન્ડ એસ્ટેટમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ આ પાર્ટીમાં નવાઝ સિંઘાનિયાને એન્ટ્રી મળી ન હતી. 58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1999માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે છૂટાછેડા અંગે ચાલતી ચર્ચા પર ગૌતમ સિંઘાનિયાએ ભાવુક પોસ્ટ કરી હતી.
તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે અમારી આ વખતની દિવાળી પહેલા જેવી નથી. એક દંપતી તરીકે 32 વર્ષ સાથે રહીને માબાપ તરીકે વિકસીને અમે હંમેશા મજબૂતાઈથી એકબીજા સાથે રહ્યા. અમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસના આ સફરમાં બે સુંદર પડાવ પણ આવ્યા. તેમણે પોતાની પુત્રી નિહારિકા અને નિશાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ભલે અલગ થઈ ગયા, પરંતુ બંને પુત્રીઓની દેખભાળ બંને કરતા રહીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter