કાનપુર: પંજાબ નેશનલ બેન્કના કરોડોનાં કૌભાંડમાં દરરોજ સોદા સાથે સંકળાયેલા ચહેરાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં વેપારી વિક્રમ કોઠારી પર આક્ષેપ છે કે, તેમણે પાંચ રાષ્ટ્રીયકૃત બેન્કને આશરે રૂ. ૩,૦૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. વિક્રમ કોઠારીએ આ રકમમાંથી એક પણ પૈસો બેન્કને પરત કર્યો નથી. મહત્ત્વની વાત એ છે કે, ૧૭મી ફેબ્રુઆરીએ જ્યારે મુદ્દો બહાર આવ્યો ત્યારે રૂ. ૫૦૦ કરોડની છેતરપિંડી થઈ હોવાનું મનાતું હતું પણ આ આંકડો વધીને ૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. મુંબઈના નીરવ મોદીથી થોડો જુદો પડતો કેસ કાનપુરમાં બન્યો છે, જેમાં રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ બેન્ક પાસેથી લીધેલાં નાણાં પરત ન કરવાનો આરોપ છે.
વિક્રમ કોઠારીએ પોતાની વાસ્તવિકતા કરતાં વધારે સંપત્તિ દર્શાવીને તેમજ કેટલાક અધિકારીઓની મદદથી બેન્ક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી, જ્યારે લોનની ચુકવણીનો સમય આવ્યો ત્યારે તેમનાં ખિસ્સાં ખાલી થઈ ગયાં હતાં.
રોટોમેક કંપનીના આ માલિક કાનપુરના પોશ વિસ્તારમાં આલીશાન બંગલામાં રહે છે. તેણે વર્ષ ૨૦૧૨માં કંપની રોટોમેકનાં નામ પર સૌપ્રથમ અલ્હાબાદ બેન્ક પાસેથી રૂ. ૩૭૫ કરોડની લોન પાસ કરાવી હતી, ત્યાર બાદ વધુ નાણાંની જરૂર પડતાં યુનિયન બેન્ક પાસેથી ૪૩૨ કરોડ રૂપિયાની લોન લીધી. આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પાસેથી આશરે ૧,૪૦૦ કરોડ રૂપિયા, બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી આશરે ૧,૩૦૦ કરોડ રૂપિયા અને બેન્ક ઓફ બરોડા પાસેથી ૬૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ તમામ બેન્કમાંથી એક પણ બેન્કને પૈસા પરત કરી લોન ચૂકવી ન હતી.
વેરિફિકેશન સામે સવાલ
સામાન્ય રીતે કોઈ પણ બેન્કમાંથી લોન માટે કેટલાંય ફોર્મ ભરાવીને આધાર-પુરાવા ભેગા કરવામાં આવે છે, જેનું ક્રોસ ચેકિંગ થાય છે.
બેન્ક લોન આપતા સમયે લોન પાછળનો હેતુ પણ સ્પષ્ટ પૂછે છે. ચોંકાવનારી વાત એ છે કે, વિક્રમ કોઠારીને અનેક સરકારી બેન્કે બેફામ રૂપિયા આપ્યા હતા, શું કોઈ બેન્કે વિક્રમ કોઠારીની પૂરતી તપાસ નહીં કરી હોય? એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વિક્રમ કોઠારીએ આ પૈસાથી વિદેશમાં કેટલીક કંપનીઓ અને પ્રોપર્ટીની ખરીદી કરી હતી.