નવી દિલ્હીઃ યુકેવાસી ગુજરાતીઓ લાંબા સમયથી જે સીધી ફ્લાઇટની માગણી કરી રહ્યા છે તે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું અધિકૃત સૂત્રો જણાવે છે.
આ ઉપરાંત એર ઇન્ડિયા ઝડપથી સૌથી લાંબી નોન સ્ટોપ કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. આ એરલાઇનની યોજના ૧૪ હજાર કિલોમીટરનું અંતર ધરાવતા બે આઇટી હબ-ભારતના બેંગ્લોર અને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોને જોડવાની છે. આ લાંબી ફ્લાઇટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિલિકોન વેલીના પ્રવાસ દરમિયાન થઈ શકે છે.
અત્યારે સૌથી લાંબી નોનસ્ટોપ કોમર્શિયલ ફ્લાઇટ ઉડાડવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની કોન્ટાસ એરલાઇન્સ પાસે છે, જે અમેરિકાના ડલ્લાસ ફોર્ટ વર્થથી સિડની સુધી ૧૩, ૭૩૦ કિલોમીટરની ઉડાન ભરે છે. આવતા વર્ષે યુએઇની એમિરેટ્સ એરલાઇન દુબઇને પનામા સિટી સાથે જોડશે. જેનું અંતર ૧૩,૭૬૦ કિલોમીટર છે. ઇરાક અને સીરિયાના યુદ્ધ ક્ષેત્રથી બચીને આ રૂટ બનાવાશે, જેના કારણે તેનું અંતર વધી જશે.
એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, બોઇંગ ૭૭૭-૨૦૦ લાંબી રેન્જનું વિમાન દિલ્હી કે બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો સુધી નોનસ્ટોપ ઉડાન શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત લંડનથી અમદાવાદ વચ્ચે પણ એક સીધી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન છે.
આ બંને શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે ઘણી માંગ થઈ છે. જો એર ઇન્ડિયા બેંગલોર-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ શરૂ તો તે વિશ્વની સૌથી લાંબી નોનસ્ટોપ ફ્લાઇટ હશે. જેનો સમયગાળો ૧૭થી ૧૮ કલાક હશે.